અહીં સાયન ઉપનગરમાં સાયન હોસ્પિટલ નજીક ગઈ કાલે રાતે સ્લમ રીહેબિલીટેશન ઓથોરિટી (જીઇછ) બિલ્ડિંગની બહાર પાર્ક કરવામાં આવેલી ૧૭ મોટરબાઈક્સને આગ લાગી હતી. સદ્દભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી. પોલીસના જણાવ્યા મુજબ, મધરાતની આસપાસના સમયે સુંદર કમલા નગર મહોલ્લાના અમુક સ્થાનિક લોકોની ધ્યાનમાં આ આગ આવી હતી. તેઓ આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા એટલામાં તો આગે ત્યાં પાર્ક કરાયેલી બધી જ બાઈક્સ તેમજ બાજુના બે ઝાડને પણ ભરડો લીધો હતો. આગ લાગ્યાના લગભગ પોણા કલાક બાદ અગ્નિશામક દળના જવાનો ચાર બંબા સાથે ત્યાં પહોંચ્યા હતા.
એક ફાયર બ્રિગેડ ઓફિસરે કહ્યું કે અમે ઘટનાસ્થળેથી નમૂનાઓ લીધા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. અહેવાલ આવે પછી જ ખબર પડે કે બાઈક્સને આગ ઈરાદાપૂર્વક લગાડવામાં આવી હતી કે પછી અકસ્માતપણે લાગી હતી.
સ્થાનિક પોલીસે પણ આ ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે. એમને પણ શંકા છે કે આ ઘટનામાં અસામાજિક તત્ત્વોનો હાથ હોઈ શકે છે. પોલીસે અજાણી આરોપી વ્યક્તિઓ સામે ભારતીય ફોજદારી કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને સંપત્તિને નુકસાન કરવાના ઈરાદા સાથે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને આગ લગાડીને ઉપદ્રવ કરવાનો આરોપ મૂક્યો છે.