રાજ્ય સરકારની લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને એક જ સ્થળેથી સીધે સીધા જ મળી રહે તે માટે બોટાદ જિલ્લામાં આગામી જાન્યુઆરી માસ દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. આ ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અને અમલીકરણ માટે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને તેમના વિભાગની વિવિધ યોજનાઓ અને તેના લાભાર્થીઓની યાદી સુનિશ્વિત કરી તા. ૩૦ મી ડીસેમ્બર સુધીમાં તેની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા જણાવ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, આગામી જાન્યુઆરી માસના પ્રારંભમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા દરમિયાન રાજ્ય સરકારની લોકોના કલ્યાણ માટેની ભાવના સાથે અમલી બનાવવામાં આવેલ પ્રત્યેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરી તેને આનુષાંગિક તમામ કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની અધિકારીઓએ તકેદારી રાખવી પડશે. આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું સ્થળ, લાભાર્થીઓની સંખ્યા, લાભાર્થીઓની ડેટા એન્ટ્રી, લાભાર્થીઓની યાદી, તેમને આપવાના થતાં લાભો – સાધન સહાય ઉપરાંત ગરીબ કલ્યાણ મેળા પહેલા અને મેળા દરમિયાન કરવાની થતી કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.