ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આજે સવારે મીલની ચાલી પાસે પુરઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું માથાના ભાગે ગંભીર લોહીયાળ ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પો.સ્ટે.માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મહુવાના નૂતનનગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ છગનભાઈ ચૌહાણ ઉ.વ.૩પ નામનો યુવાન પોતાનું ટીવીએસ બાઈક નં.જીજે૪ એજી ૯૪૪૧ લઈને જઈ રહ્યો હતો ત્યારે મીલની ચાલી પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ અશોક લેલેન્ડ ટ્રક નંબર જીજે૧૪ ડબલ્યુ ૧૬પ૭ના ચાલકે ધડાકાભેર અડફેટે લેતા બાઈક ચાલક મહેન્દ્રભાઈ ઉથલીને રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર લોહીયાળ ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. અકસ્માતનો આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ અને જરૂરી કાગળો તૈયાર કરીને લાશને પીએમમાં ખસેડાયેલ. જ્યારે મૃતક યુવાનના પિતા છગનભાઈ વાઘજીભાઈ ચૌહાણે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. આર.જે. પરમાર ચલાવી રહ્યાં છે.