ભાજપ અને કોંગ્રેસ પક્ષે કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવારોને આપી ટિકિટ ? જાણો જ્ઞાતિવાદી સમીકરણો

949
gandhi29112017-5.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. બન્ને પક્ષોએ પાટીદાર વોટબેંક કબ્જે કરવા માટે રીતસરની હોડ લગાવી હોય એવું લાગે છે. પીટાદારો મતો અંકે કરવા માટે ભાજપે પ્રથમ વખત ૫૨ બેઠકો પર પાટીદાર ઉમેદવારનો ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ૪૨ ટિકિટ પાટીદારનો આપી છે.
ભાજપે તમામ બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ૧૮૨ બેઠક પૈકી પાંચ બેઠકો છોટુ બસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એક બેઠક દલિત નેતા જિજ્ઞેશ મેવાણી માટે છોડીને ૧૭૬ સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે. ગુજરાતમાં ૫૦ બેઠકો આવી એવી છે જ્યાં પાટીદાર મતદારોના વર્ચસ્વ ધરાવે છે. જેમાંથી ૩૦ બેઠકો ઉપર બંન્ને રાજકિય પક્ષોમાંથી પાટીદાર સમાજના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતની રાજનીતિમાં આ પ્રકારના ઘટનાક્રમ પહેલીવાર આકાર લઈ રહ્યો છે. ભાજપે મિશન ૧૫૦ પ્લસ માટે એક તૃતિયાંશ એટલે કે ૩૨ ટકા ટિકિટો પાટીદારોને ફાળવી છે. જયારે ૨૨ વર્ષથી વિપક્ષમાં રહેલા કોંગ્રેસે ઓબીસી, આદિવાસી, દલિત અને મુસ્લિમ કોર વોટબેંક સાથે ૨૩ ટકા પાટીદાર ઉમેદવારો આપીને સંતુલન જાળવ્યુ છે જોકે નારી ગૌરવ માટે મહિલાઓને સમાન તક આપવાની વાતો અને ૫૦ ટકા મહિલા અનામત લાગુ કરવાની વાતો કરનાર ભાજપે માત્ર ૧૨ મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે જિલ્લાદિઠ એક મહિલા ઉમેદવાર આપવાની જાહેરાતો કરનાર કોંગ્રેસ માંડ ૧૦ મહિલાઓને ચૂંટણીમાં ઉતારી શકી છે.ભાજપે આ વખતે ૩૪ ધારાસભ્યોને રિપિટ કરવાનું ટાળ્યુ છે. જેમાં ચાર મંત્રીઓ, પાંચ સંસદિય સચિવો સમેત અનેકવિધ સિનિયરોનો સમાવેશ થાય છે. સામાપક્ષે શંકરસિહં વાઘેલાની બળવાખોરી બાદ કોંગ્રેસે પોતાની પાસે રહેલા ૪૩માંથી માત્ર ત્રણની જ ટિકિટો કાપી છે. 
રાજયસભાની ચૂંટણી વખતે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાંથી ભાજપમાં જોડાયેલા ૧૨ પૈકી ૭ને ભાજપે ટિકિટ આપી છે, જયારે છેલ્લે છેલ્લે હું નહી તો મારો છોકરો એ ન્યાયે સાણંદના કરમશી પણ ભાજપની ટિકિટ લઈ આવ્યા છે. જયારે વિજાપુરના પ્રહલાદ પટેલ, જસદણના ભોળા ગોહિલ, વાંસદાના છના ચૌધરીને ભાજપે ટિકિટ વગરના રાખ્યા છે. વાઘેલાના પુત્ર અને વેવાઈ આ ચૂંટણીમાં ઉમેદવાર નથી! ૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજીત  ઓબીસી સમુહના એકએક મત અંકે કરવા રાજકિયપક્ષોએ કોઈ કસર છોડી નથી. આ સમુહના ઠાકોર, કોળી, આંજણા ચૌધરી, રબારી, આહિર, મેર, દલવાડી, સતવારા, પંચાલ, કડીયા, પ્રજાપતિ જેવા અનેક સમાજોમાંથી ભાજપે ૫૮ અને કોંગ્રેસે ૬૨ ઉમેદવાર મતદારો સમક્ષ ધર્યા છે. ગુજરાતમાં ૭૪ બેઠકો ઉપર ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે. જેમાંથી ૪૬ મતક્ષેત્રોમાં ભાજપ-કોંગ્રેસના ઓબીસી વર્ગના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર વાંકાનેર, ભૂજ અને જૂનાગઢ એમ ત્રણ બેઠકોમાં લોહાણા સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે દરિયાપુર, જમાલપુર, સુરત, વાગરા, વાંકાનેર, ભૂજ એમ કુલ છ બેઠકો ઉપર મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા છે.
જ્ઞાતિવાર ટિકિટની યાદી જોઈએ તો પાટીદારને ભાજપે ૫૨ તો કોંગ્રેસ ૪૨ ટિકિટ આપી છે. ઓબીસીને ભાજપે ૫૮ તો કોંગ્રેસે ૬૨ને ટિકિટ આપી છે. એસટીની વાત કરીએ તો ભાજપે ૨૮ સામે કોંગ્રેસે ૨૫ને ટિકિટ આપી છે. એસસીની વાત કીરએ તો ભાજપે ૧૩ અને કોંગ્રેસે ૧૪ને ટિકિટ આપી છે. બ્રાહ્મણને ભાજપે ૧૦ અને કોંગ્રેસે ૬ને ટિકિટ આપી છે. જૈનની વાત કરીએ તો ભાજપે ૪ અને કોંગ્રેસે ૨ને ટિકિટ આપી છે. ક્ષત્રિયમાં ભાજપે ૧૨ અને કોંગ્રેસે ૧૦ને ટિકિટ આપી છે. મુસ્લિમની વાત કરીએ તો ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી જ્યારે કોંગ્રેસે ૬ને ટિકિટ આપી છે.

Previous articleમતદારોને ઈવીએમ-વીવીપેટ અંગેની સમજ અપાઈ
Next articleરાજુલા ખાતે અંબરીશભાઈ ડેરના કાર્યાલયે શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ