ગુજરાતમાં ઐતિહાસિક અને ચમત્કારીક શિવાલયોમાં કલોલના કપિલેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે. જ્યાં ૧૮૦૦ વર્ષ પ્રાચિન સ્વયભૂ શિવલિંગ આવેલું છે. જેનો અલૌકિક ઇતિહાસ રહેલો છે. ત્યારે આ મંદિરમાં માત્ર ૩૦ રૂપિયામાં ભરપેટ ભોજન પીરસવામાં આવી રહ્યુ છે.
કલોલના કપિલેશ્વર મંદિરના ભ્રહ્મલીન મહંત ભાગવતા નંદજીની ઇચ્છા હતી કે કોઇપણ મનુષ્ય ભૂખ્યા પેટે ન સૂવો જોઇએ. મહંતના ભ્રહ્મલીન થાયા બાદ મંદિરના નવા મહંત તરીકે સ્વામી પૂર્ણાનંદગીરીજીએ જવાબદારી સંભાળી હતી અને મંદિરના જિર્ણોધ્ધાર તેમજ અંબાજી પગપાળા અન્નક્ષેત્ર સહિત સેવાના કામોમાં આગવુ યોગદાન ચાલુ રાખ્યુ હતું. પોતાના ગુરૂની ઇચ્છાને પરીપુર્ણ કરવા માટે સ્વામીજીની પ્રેરણાથી મંદિરના સ્વંય સેવકો દ્વારા પૂર્ણાનંદગીરી ભોજનાલય શરૂ કરવામાં આવ્યુ હતુ.
કલોલના કપિલેશ્વર મંદિરમાં શરૂ કરાયેલા આ સેવાયજ્ઞમાં સંતો તેમજ દવાખાનામાં દાખલ દર્દીઓ માટે મફત ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ માત્ર ૩૦ રૂપિયાના ટોકન ચાર્જે ભરપેટ છોલે ચણાપુરી તેમજ મરચાનું ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિર તરફથી સસ્તા દરે ગુજરાતી પંજાબી સહિતના ભોજન પણ પીરસવામા આવે છે. આમ આ મંદિર તરફથી આ પ્રકારની ભોજનની સેવા આપવામા આવી રહી છે તેનો અનેક લોકો લાભ મેળવી રહ્યા છે.
કલોલમાં આવેલા કપિલેશ્વર મંદિરના પરીસરના ગાર્ડનમાં ટેબલ અને ખુરશી પર બેસાડી માત્ર ૩૦ રૂપિયામાં જ લોકોને ભાવથી ભરપેટ ભોજન પિરસવામા આવે છે. આ મંદિર પરિસરના ગાર્ડનમાં ટેબલ -ખુરશી પર બેસાડી લોકોને ભાવથી ભોજન પિરસવામા આવે છે.
મંદિરના આ પ્રયાસને લોકો દ્રારા અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ સારા ઘરના વ્યક્તિઓ પણ તેમના સામાજિક પ્રસંગો તેમજ કેટલીક સંસ્થાઓ પોતાની મિટિંગો મંદિરમાં રાખી ભોજનના પ્રસાદ સાથે આ ભગીરથ કાર્યમાં યોગદાન આપી રહ્યા છે.
જ્યારે કલોલ શહેર તેમજ તાલુકાના આસપાસના ગામોમાં રહેતા ખેડૂતો દ્રારા અવાર-નવાર મંદિર પરિસરમાં શાકભાજીનુ દાન કરી આ સેવાના કાર્યને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આવી રીતે મંદિરના આ સેવાના કામમાં અન્ય લોકો પણ મદદ કરી રહ્યા છે.