કોંગ્રેસ અને બીજેપી માટે ૧૭ ડિસેમ્બરનો દિવસ ખુબ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. એકબાજુ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસ મુખ્યમંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. તો બીજીબાજુ ભાજપ સોમવારે રાફેલ ડીલ પર દેશભરમાં ૭૦ જગ્યાઓ પર એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. આમાં બીજેપી પ્રવક્તા, મંત્રી, વરિષ્ઠ નેતા, કેન્દ્રીય મંત્રી અને બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ કોંગ્રેસના તમામ આરોપોના જવાબ આપશે. રાજસ્થાનમાં અશોક ગેહલોતના સીએમ બનવાની જાહેરાતની સાથે એ પણ નક્કી થઈ ગયું કે, કોંગ્રેસ ૧૭ ડિસેમ્બરે તમામ રાજ્યોમાં એક સાથે શપથ ગ્રહણ સમારોહ કરાવશે. એક બાજુ કોંગ્રેસ જશ્ન મનાવી રહી છે, બીજી બાજુ બીજેપીએ આ દીવસે પુરા દેશમાં રાફેલ લડાકૂ વિમાનને લઈ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ પર હુમલો કરવા માટે પસંદ કર્યો છે. બીજેપીનું કહેવું છે કે, જશ્નના દિવસે જ કોંગ્રેસ પાર્ટીને દેશની સામે ખુલ્લા પાડવામાં આવશે.
બીજેપી ૭૦ જગ્યાઓ પર મીડિયા સાથે વાતચીત કરશે. આમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હુમલો કરશે. કેન્દ્ર સરકારના મંત્રીથી લઈ પાર્ટીના તમામ નેતા, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ કરશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોમવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આસામની રાજધાની ગુવાહાટીમાં, દેવેન્દ્ર ફડણવીશ ગુજરાતના અમદાવાદમાં, વિજય રૂપાણી જયપુરમાં અને સર્બાનંદ સોનાવાલ અગરતલ્લામાં રાફેલ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે.