મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથના અને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતની આવતીકાલે શપથવિધિ થશે. શપથવિધિ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપસ્થિત રહે તેવી વાત અશોક ગેહલોતે પહેલાથી જ કરી છે. અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અશોક ગેહલોત અને કમલનાથની શપથવિધિમાં ુપસ્થિત રહેવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ૧૭મી ડિસેમ્બરે રાજસ્થાનના પાટનગર જયપુરમાં અશોક ગેહલોત ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. શપથવિધિમાં તેમના પરિવારના સભ્યોની સાથે સાથે અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ગેહલોતની સાથે સચિન પાયલોટ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બીજી બાજુ ભોપાલમાં કમલનાથ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કમલનાથે ફોન કરીને નાયડુને આમંત્રણ આપ્યું છે અને નાયડુએ આમંત્રણ સ્વીકારી પણ લીધું છે. ૧૩મી ડિસેમ્બરના દિવસે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામની જાહેરાત કરવામાં આવી હતી. એજ દિવસે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતના નામની જાહેરાત કરવામાં આવી હતી. એકબાજુ હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી અને ૧૧૪ સીટો જીતી હતી. માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ટેકો આપતા કોંગ્રેસે બહુમતિ માટેનો ૧૧૬નો આંકડો મેળવી લીધો છે.
બીજી બાજુ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીએ ૧૯૯ સીટો પૈકી ૯૯ સીટો જીતી હતી. આની સાથે જ ભાજપ પાસેથી કોંગ્રેસ સત્તા આંચકી લીધી છે.
રાજસ્થાનમાં વિધાનસભાની ૨૦૦ સીટ છે પરંતુ એક ઉમેદવારના મૃત્યુના કારણે અહીં ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. શપથવિધિને લઇને બંને રાજ્યોમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. શપથવિધિ વેળા વિરોધ પક્ષો જોરદાર શક્તિ પ્રદર્શનના મૂડમાં છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી, આમ આદમી પાર્ટી અને અન્ય તમામ વિરોધ પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શપથવિધિને સફળ બનાવવા ભવ્ય તૈયારી કરાઈ છે.