ઉત્તરી જાપાનના એક રેસ્ટોરન્ટમાં રવિવારની રાત્રે થયેલાં એક વિસ્ફોટમાં ૪૦થી વધારે લોકોને ઇજા પહોંચી છી. આ અંગેની જાણકારી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી છે. જાપાનના ઉત્તરના મુખ્ય હોક્કાઇદો દ્વીપના પાટનગર શહેર સાપ્પોરોમાં આ વિસ્ફોટ થયો છે.
રેસ્ટોરન્ટમાં થયેલો વિસ્ફોટ એટલો બધો ભયંકર હતો કે આસપાસની બિલ્ડીંગ તેમજ મકાનને પણ નુકસાન પહોંચ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં ૪૨ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અન્યને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. સાપ્પોરોના તોયોહિરા જિલ્લામાં આવેલ બે માળની રેસ્ટોરન્ટમાં થયેલ વિસ્ફોટ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો કે પોલીસ દ્વારા આ વિસ્ફોટને લઇને વધુ કોઇપણ પ્રકારની જાણકારી આપી નથી.