રાયખડ મિલ કંપાઉન્ડમાં આવેલા સુલતાન ફ્લેટની બાજુની બિલ્ડિંગમાં તેમજ તેની બાજુમાં તંબુમાં ચાલતા નાસીર ઠૂંઠા અને તેના ભાગીદારોના જુગાર અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવારે મોડી રાતે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને ફ્લેટના બીજા માળે જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જતા બારીમાંથી નીચે કૂદી કેટલાક જુગારી નાસી ગયા હતા જ્યારે ૮ જુગારીના હાથ – પગ તૂટી જતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. નાસી ગયેલા ૫ જુગારીઓ તેમનો મોબાઈલ ફોન પણ ભૂલી ગયા હતા.
બીજી તરફ અતુલ બ્રહ્મભટ્ટ નામના આરોપીને રેડ દરમિયાન જ હાર્ટ એટેક આવતાં વીએસ લઈ જવાયો હતો. પોલીસે આ બંને જગ્યાએથી નાસીર ઠૂંઠા સહિત ૪૭ જુગારીને ઝડપી રોકડા રૂ.૧.૧૩ લાખ, ૪૨ મોબાઈલ ફોન, ૧૧ વાહનો, કોઈન તેમજ પાનાં સહિત કુલ રૂ.૭.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જી.વી.વાણિયાએ ગુનો નોંધાવી તમામને ગાયકવાડ હવેલી પોલીસને સોંપી દીધા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં જ્યાં પણ રેડ પાડી તે માટે સ્થાનિક પીઆઈને જવાબદાર ઠેરાવીને સસ્પેન્ડ કરાયા છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આથી ત્યાંના પીઆઈ વી.જી.રાઠોડને હવે ટૂંક જ સમયમાં સસ્પેન્ડ કરાશે. અત્યાર સુધીમાં ડીજી સ્ક્વોડના દરોડામાં શહેરના ૩ પીઆઈ, ૪ પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે.