ફેબ્રુઆરી-૨૦૧૯માં મળનારું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે માત્ર એક અઠવાડિયા માટે જ મળે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે. ૨૦૧૯ની આગામી લોકસભાની ચૂંટણીના કારણે આગામી ફેબ્રુઆરી મહિનામાં મળનારા આ બજેટ સત્રમાં સંપૂર્ણ અંદાજપત્રના બદલે વોટ ઓન એકાઉન્ટ રજુ કરવામાં આવશે. આ લેખાનુદાન સાથે અડધો ડઝન જેટલાં સરકારી વિધેયક પણ રજુ કરવામાં આવવાનાં હોવાથી સવર્ણ-પાટીદાર અનામત વિધેયક રજુ કરી મંજુર કરવામાં આવશે કે નહીં તેના પર સૌની નજર રહેશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાની મધ્યમાંથી દોઢ મહિના માટે મળતું હોય છે. જેમાં નવા વર્ષ માટે સંપૂર્ણ બજેટ રજુ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ૨૦૧૯ના વર્ષમાં મે મહિના સુધીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની શકયતા પ્રવર્તી રહી છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીના કારણે કેન્દ્ર સરકાર દ્ધારા પણ ફેબ્રુઆરીના પ્રારંભે જ સંપૂર્ણ બજેટના બદલે વોટ ઓન એકાઉન્ટ રજુ કરવામાં આવનાર છે. આ લોકસભાની સામાન્ય ચૂંટણીના કારણે સમગ્ર દેશમાં આચારસંહિતાના કારણે લગભગ તમામ રાજયોમાં પણ ફેબ્રુઆરી-માર્ચમાં સંપૂર્ણ અંદાજપત્ર રજુ કરવામાં આવશે નહીં. લોકસભાની સામાન્ય ચૂંટણીના કારણે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૯-૨૦નું સંપૂર્ણ અંદાજપત્ર રજુ કરવામાં આવશે નહીં. પરિણામે ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં લગભગ દોઢ મહિનાનું મળતું બજેટ સત્ર આ વખતે માત્ર એક અઠવાડિયા પુરતું જ મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીના કારણે આદર્શ આચારસંહિતાનો અમલ કરીને સંપૂર્ણ અંદાજપત્રના બદલે વોટ ઓન એકાઉન્ટ રજુ કરવામાં આવશે. જેના પરિણામે ગુજરાત રાજ્યની સાંપ્રત સમસ્યાઓ જેવી કે, ખેડૂતોના દેવાં માફી સહીતના પ્રશ્નો, યુવાનોને રોજગારી, મગફળી કૌભાંડ, પાટીદાર અનામત, લોકરક્ષક પેપર કૌભાંડ, વગેરેમાં ચર્ચા થઇ શકાશે નહીં. આ ઉપરાંત ટૂંકા સત્રના કારણે વિપક્ષ અને અન્ય ધારાસભ્યોને પુરતી તક નહીં મળતા સરકાર ભીંસમાં મુકાતી બચી જશે. જો કે, સરકાર દ્વારા ચાલી રહેલી આ હિલચાલ સામે વિપક્ષ કોંગ્રેસની છાવણીમાં અત્યારથી જ વિરોધના સૂર ઉઠવાના શરૂ થઇ ગયા છે અને આ મામલે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ અને જોરદાર માંગ કરે તેવી પણ શકયતા છે.