જસદણ ચૂંટણીજંગનું કાઉન્ટડાઉન, નવજોતસિંહ સિદ્ધુ પ્રચારમાં આવશે

1060

જસદણની પેટાચૂંટણી યોજાવાને હવે ગણતરીના કલાક બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા બની શકે તેવા તમામ પ્રયત્નો કરીને પ્રજાજનોને અપીલ કરવામાં આવી રહી છે કે અમારા ઉમેદવારને જીતાડજો. જસદણની ભીંતો પર કુંવરજી હારે છે તેવું લખાણ જોવા મળેલું છે ત્યાં ભાજપ દ્વારા નાના બાળકો દ્વારા ભાજપતરફી સૂત્રો પોકારાવી આકર્ષિત કરવામાં આવી રહ્યાં છે.

સ્ત્રી મતદાર ૧,૦૫,૫૫૯ અને પુરુષ મતદાર ૧,૧૮,૭૩૧ છે. જેમાં લેઉવા પટેલ મતદારો ૨૦%, કોળી મતદારો ૩૫ %, દલિત મતદારો ૧૦ %, લઘુમતી મતદારો ૭ %, કડવા પટેલ ૭ %, ક્ષત્રિય મતદારો ૮ %, આહીર મતદારો ૮ %, અન્ય મતદારો ૧૩ % ની સંખ્યામાં છે.

વર્ષના મધ્યાંતરે પીઢ કોંગ્રેસી નેતા કુંવરજી બાવળીયા હાથનો સાથ છોડી કમળને ઝાલ્યું ત્યારથી આ બેઠક ખાલી હતી જેની ચૂંટણીપ્રક્રિયા ૨૦ ડીસેમ્બરે યોજાનાર છે. જસદણ બેઠક પર કોંગ્રેસી તરીકે જીતતાં રહેલાં કુંવરજી પોતાના બળ જીતતાં આવ્યાં હોવાનું કહેતાં રહ્યાં હતાં તેની ખરી કસોટી આ સમયે થનાર છે. ભાજપમાં જોડાયાને ગણતરીના કલાકોમાં પ્રધાનપદું મેળવી લેનાર બાવળીયાએ ખાતું મેળવવામાં પણ પોતાનો સિક્કો ચલાવ્યો હતો.

હવે એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરનાર કુંવરજી પોતાની જીત માટે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે, પરંતુ હાલમાં ત્રણ રાજ્યોમાં થયેલી હારના પગલે આ બેઠક જીતવા માટે તેમ જ પોતાનું રાજકીય ભવિષ્ય સલામત રાખવા માટે પણ આ બેઠક જીતવી બાવળીયા માટે પ્રાણપ્રશ્ન બની રહ્યો છે.

છેલ્લી બે ચૂંટણીમાં ૫થી ૬ ટકા મતના માર્જીનથી જ હારજીત થઇ હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકેે કુંવરજી બાવળીયા ૫.૫૨ ટકા- ૯,૨૭૭ મતથી જ જીત્યાં હતાં. તે પહેલાં ૨૦૧૨માં ભાજપના ઉમેદવારને ૪૦.૮૮ ટકા મતો મળ્યાં અને ૪૭.૪૮ ટકા મતો મેળવીને કોંગેસ ઉમેદવારે ૬.૬ ટકા વધુ મત મેળવી જીત પાકી કરી હતી. સામે પક્ષે કોળી વિરુદ્ધ કોળીની કહેવાતી આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉત્સાહના ઘોડાપૂર છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા કુંવરજીને બાવડાંના બળે ટક્કર આપી શકવા આત્મવિશ્વાસુ છે ત્યાં પક્ષ પણ પ્રચારકાર્યમાં કોઇ કમી રાખવા માગતો નથી અને અઢારમી તારીખે કોંગ્રેસી બની ગયેલાં ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુને પ્રચાર કરવા બોલાવી રહી છે.

Previous articleગુજરાત : બજેટ સત્ર સપ્તાહ માટે જ મળે તેવા સાફ સંકેત
Next articleધો-૧૨ સાયન્સની પ્રેકટીકલ એપ્રિલમાં લેવાવાની શકયતા