અર્વાચીન સમયના એક પ્રગટમુનિની આ વાત છે. તેઓ ભારતવર્ષના મોટા શહેરોમાં પ્રજાકલ્યાણ માટે વિહાર કરી રહ્યા હતા. માર્ગમાં તેમના દર્શન માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા હતા. રસ્તામાં તેઓનો ભેટો એક ખૂબ મોટા પ્રતિષ્ઠિત વેપારી સાથે થાય છે. વેપારી બાપજીને પોતાની વેપારી પેઢીમાં પધારવા વિનંતી કરે છે. આ વેપારી લગભગ દેશના વાણિજ્યતંત્રનો પ્રાણ હતો. તેમનો કાબુ સત્તાતંત્ર પર પણ સારો એવો હતો તેથી તેમની કે તેમના મળતિયાઓ દ્વારા ઉત્પાદિત કરેલ ચીજવસ્તુ, સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થો કે આવી બીજી અન્ય કોઈ પણ સામગ્રીની ગુણવત્તા અંગે કદી સત્તાતંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તજવીજ કે તપાસ થઈ શકતી નહોતી. સત્તાતંત્ર પર કમાન્ડ ધરાવતા વેપારીના કારણે દેશના ગ્રાહકોને ભારે સહન કરવું પડતું.
દેશના વાણિજ્યતંત્રની ધૂરા જેણે વર્ષોથી ધારણ કરી રાખી હતી, તે વેપારીના પ્રતાપે તેના ગ્રૂપના ઉદ્યોગપતિઓ-વેપારીઓ પ્રજાને લૂંટી અઢળક ધન કમાઈ રહ્યા હતા. આ વેપારી આજે પ્રગટમુનિના આશીર્વાદ મેળવી વધુ ધન કમાઈ લેવા, માર્ગ મોકળો કરવા માંગતો હતો. પ્રગટમુનિ વેપારીની બધી વાત સમજતા હોવા છતાં વેપારી પર તેઓ સર્વ રીતે પોતાનો રાજીપો વ્યક્ત કરતા હોય તેવો બાહ્યાચાર કરી વેપારીની અંતરની ઊંડાઈ પામવા માંગતા હતા. મુનિશ્રી વેપારીના વ્યાવસાયિક ક્ષેત્રમાં સંકળાયેલા પ્રત્યેક કર્મચારીઓ, ભાગીદારો, અધિકારીઓને ઉદ્દેશીને કશુંક કહેવા ઇચ્છતા હતા. તેથી આજે તેઓ વેપારીની ધીકતી પેઢીમાં પગલા કરી ખરા અર્થમાં તેને પ્રજાભોગ્ય બનાવવા ઈશ્વરને પ્રાર્થી રહ્યા હતા. જો કે વાણિજ્યતંત્રનો જેને પ્રાણ કહી શકાય તેવો આ વેપારી ગાંજયો જાય તેમ ન હતો. તેથી તેમણે મુનિશ્રીના સ્વાગત માટે જે વૈભવી વ્યવસ્થા, સગવડ અને પરંપરાગત કરવામાં આવતા વ્યવહાર મુજબ સઘળું આકર્ષક ખડું કર્યું હતું. વેપારી આ પ્રકારના વ્યવહારથી પોતાના વ્યવસાયના રખોપા માટે જાણે જાગૃત થઈ મુનિના આશીર્વાદ સાથે પ્રજાને વધુ લૂંટવા સત્તાતંત્ર પર પોતાની કમાન્ડ જમાવવા લક્ષ્મીના જોરે વિજયનો ટંકાર કરવા માંગતો હતો. પ્રગટમુનિ પોતાની પ્રાગટ્યશક્તિ વડે બધું જાણવા છતાં વેપારી દ્વારા ઊભી કરાયેલી આભાને નામશેષ કરવા પોતાની ઊર્જાનો પ્રકાશ પાથરી જાણે પ્રકાશિત કરવા યત્ન આદર્યો હોય તેમ નિયંત્રણોને પોતાની આગવી શક્તિ દ્વારા નાબૂદ કરવા, જર્જરિત કરવા કેમ જાણે સંકલ્પ ન કર્યો હોય તે રીતે ધીમેપગલે પ્રવેશ આરંભ્યો હતો. કોઈ પણ સત્તાતંત્ર એવું માને કે દેશમાં રહેતા પ્રત્યેક નાગરિકો તેઓ જે નિયંત્રણો મૂકશે તેને મને-કમને અનુસરવા લાગશે. આવા લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા જે તંત્ર દ્વારા પ્રયાસ થવો જોઈએ, તેના બદલે તેના દ્વારા થતા કાર્યમાંથી તેના મળતિયા લોકો વધુ ને વધુ આર્થિક ઉપાર્જન કરી શકે તેવી યોજનાઓ ઘડી કાઢવી. આવી ઘડાયેલ યોજનાઓ બર આવે તેવા હેતુઓને ટેકો કરે તેવા લોકોને લાભ કે ફાયદો પહોંચાડવો. સરકારની આ યોજનાઓને પોષે એવી મંશા ધરાવતા સત્તાતંત્રના કેન્દ્રસ્થાને બિરાજમાન એવા આ વેપારીએ દેશમાં જે પોતાનો જાદુ પાથર્યો હતો તેની જાણ મુનિશ્રીને અગાઉથી જ થઈ હોવા છતાં પિતા જે રીતે પોતાના બાળકનાં દોષોને નજરઅંદાજ કરી; તેની શક્તિઓને વિકસાવવા, સઘળું જતું કરવા તૈયાર હોય છે તેમ, આજે પ્રગટમુનિ વર્તી રહ્યા હતા. કેટલાક એવું માને છે કે બુદ્ધિશક્તિના વ્યાપ વડે પૈસા અને સંપત્તિ દ્વારા ધરખમ સત્તાધીશ વ્યક્તિને પણ ઝુકાવી શકાય. ખાવું, પીવું કે જીવન જરૂરી વસ્તુઓને પ્રાપ્ત કરવી-એ જીવનની સફળતા છે તેથી કોઈ પણ તેના નિયંત્રણ નીચે આજ નહીં તો કાલ જરૂર આવશે એટલે ઘણી વખત કેટલાક લોકો ગભરાઈને આવા અન્યાયો સામે ચૂપ થઈ જતા હોય છે. તો કોઈવાર કઠપૂતળીની જેમ તેના પર લાદવામાં આવે તેવા કામ કરવા તૈયાર થઈ જાય છે. વેપારી આ સિદ્ધાંતને લઈ ધારી સિદ્ધિ હાંસલ કરી રહ્યો હતો. જોકે આના કારણે દેશની પ્રજા પાયમાલ થઈ હતી. વેપારી અને સત્તાતંત્રની આ જુગલબંધીએ પ્રજાની કમર ભાંગી નાખી હતી. કહેવાતા લોકતંત્રના નામે લક્ષ્મીની લફાટે સૌના ચહેરા રંગી નાખ્યા હતા.
સોનેરી પ્રભાતથી શરૂ થતી પ્રવૃત્તિઓમાં વ્યક્તિના જીવન સાથે કરવામાં આવતા ચેડા સત્તાતંત્રની આદત થઈ ગઈ હતી. દૂધમાં યુરિયા, ઘીમાં ચરબી, ખાંડમાં લોખંડ કે હાડકાનો ભૂકો-કોને ખબર કેટલી ચીજો ભેળસેળ કરી વેચાતી હશે? કેટલા ટન અખાદ્ય પદાર્થ ખાદ્ય પદાર્થમાં ભેળવી દઈ બેવડી કે ચોવડી કમાણી કરી લેવામાં આવતી હશે! હા, આ બધું કરવું જ પડે; કારણ કે સત્તાતંત્રના નિર્માણ માટે કરવામાં આવતી ચૂંટણીમાં અઢળક નાણાં નેતાઓને બિનશરતી રીતે ધીરવા પડતા હોય છે ત્યારે તો દર પાંચ વર્ષે રમાતો આ ખેલ ભલે પ્રજા માટે તે તેની કમર તોડનારો હોય, તેની પીઠમાં ખંજર ભોંકાનારો હોય પણ તે ખેલ્યા વગર છૂટકો છે? મુનિ આકુળ-વ્યાકુળ હોવા છતાં આજે વેપારીના પટમાં શાંતચિત્તે પોતાની લીલા પાથરી પ્રજા કલ્યાણ માટે કશુંક કરવા માગતા હતા.
લગભગ પાંચ ફૂટ ઊંચા ઊભા કરાયેલા મંચ પર બિરાજમાન થઈ પ્રગટમુનિએ પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યોઃ ‘માનવજીવન પ્રભુની અણમોલ ભેટ છે. સત્તા કે સંપત્તિ જીવનનિર્વાહ પૂરતી મેળવવી માનવનું કર્મ છે અને તેથી જ તેને ધર્મતુલ્ય પણ માની શકાય. ધર્મ ધારણ કરવાથી શરૂ કરી અંતિમ શ્વાસ સુધી વ્યક્તિ સાથે જોડાયેલો રહે છે. તેથી જ તે કોઈ પણ રીતે એળે જવો ન જોઈએ. જીવનમાં નકારાત્મકતા વ્યક્તિની ઘોર ખોદે છે.તેથી તેનું જીવનમાં સ્થાન નથી. ધન-સંપત્તિના આશ્રયથી આચરેલી નકારાત્મકતા વ્યક્તિની માનવતાનું પતન કરે છે. તેની લાલચ વ્યક્તિને મોહાંધ બનાવે છે. કદાચ તેના જોરે વ્યક્તિ અધિપતિ બની શકે પરંતુ આખરે તેનું અધઃપતન થાય છે. વધુ પડતું કમાયેલું ધન મૃત્યુ સમયે ખપ લાગતું નથી. પરંતુ અન્યના અંતરમાં જાગેલી વેદનાને જાણી પ્રગટેલી ‘સંવેદના’ કોઈ પણ વ્યક્તિને પ્રગટમુનિ બનાવી શકે છે. તેથી જીવનમાં સંપત્તિના બદલે સંવેદનાને સ્થાન મળવું જોઈએ. અન્યના હૃદયની પીડા જ્યારે વ્યક્તિ પોતે પામે છે, ત્યારે જ તે પર દુઃખભંજક બને છે. આજે દેશમાં સત્ય અને અહિંસાની તલવાર વડે પ્રાપ્ત આઝાદીના ફળ ચાખવા ઈચ્છતી પ્રજા ગણ્યાગાંઠ્યા લોકોના કારણે ઊલમાંથી ચૂલમાં પડ્યાનો અનુભવ કરે છે. તે નિવારવા પ્રેમશસ્ત્રની આવશ્યકતા છે. જે રીતે રડતા બાળકને ચોકલેટ આપી શાંત કરી શકાય છે તે જ રીતે ડગલે ને પગલે થતા અન્યાયથી દિવસે-દિવસે નિયંત્રિત થતી પ્રજાને મૂલ્ય અને ન્યાયના શસ્ત્રથી રક્ષિત કરી શકાય છે. તેમને શિક્ષણના પ્રકાશ વડે અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવી, લક્ષ્મીની લાલચમાંથી ઉગારી ખરા લોકતંત્રના પ્રહરીની પસંદગી કરવા માટે જ્ઞાત કરવાની જરૂર છે. સંવાદની મૂડી દેશના પ્રત્યેક નાગરિકની સમૃદ્ધિ બને, ડર અને ભયનું નિર્મૂલન થાય. સત્તાધીશો અદના માણસની વાત સાંભળી શકે તેવી કર્ણશક્તિ પ્રાપ્ત કરે.તેમની દૃષ્ટિ સંપત્તિવિહીન લોકો સુધી પહોંચી શકે તેવી તેજસ્વી બને. દેશનું પર્યાવરણ સૌ કોઈ માટે સુખાકારી રહે તેની કાળજી દેશનો પ્રત્યેક નાગરિક રાખી શકે તેવી સમજણ શક્તિ સર્વત્ર વ્યાપે. જે નથી તેની પાછળ હરણની માફક દોડવાને બદલે જે છે તેને માણવા, જાણવા ઈશ્વર શક્તિ આપે. પ્રત્યેકના કલ્યાણ માટે આત્મનિરીક્ષણ કરવાની દૃષ્ટિ દેશના નાગરિકો પ્રાપ્ત કરે. તેમજ નિખાલસતા, વિશ્વાસ, લાગણીનાં તંતુ વડે દેશની પ્રજા એકમેક સાથે જોડાઈ ભાવનાત્મક સંવાદ સાધી ખુદની વ્યથા અન્યની વ્યથાથી અલ્પ છે તેમ સમજી વિચારોના વટવૃક્ષની છાંયામાં હૈયાનાં હિલોળા લેતા સરોવરની હવાના હળવા સ્પર્શે જાગતા બિંદુઓની સરગમમાંથી નીતરતા સંવેદનાના સંગીતથી-હે ઈશ્વર ! આ દેશના પ્રત્યેક નાગરિકને તરબતર કરી ખરી માનવતાના દર્શન કરાવ.
પ્રાથું પ્રભુ! તને જાણી, વ્યથા મારી,
દેજે જ્ઞાનભરી આભ અટારી.
સંબંધો તોડતા પહેલા જરા એ વિચારો તે જોડતા તમને કેટલો સમય લાગ્યો હતો? પતિ-પત્ની જે લગ્નના સેતુથી એકમેક સાથે જોડાય છે તે જ યુગલ થોડા જ સમયમાં નજીવી બાબતે ઝગડવા લાગે છે. જે દેશને અનેક અરમાનો સાથે દેશના સ્વાતંત્ર્ય વીરોએ આઝાદ કરવા પોતાના પ્રાણની આહુતિ આપી, તે જ દેશના લોકોની આઝાદીના ભોગે સંપત્તિ હડપી લેવા આપણે દિશા ભૂલ્યા છીએ તે કદાચ આપણું અધઃપતનનું કારણ બનશે. તેથી આપણે જાગીએ. જે પતિ અગ્નિની સાક્ષીએ પત્નીને કોલ આપી જીવનસાથી તરીકે જોડાય છે. તે જ સ્ત્રીને તેની સાથે જોડાયેલો પુરુષ તેની ગેરહાજરીમાં દગો કરે છે. જે પ્રજા પોતાના કલ્યાણ માટે નેતાઓને ચૂંટણીમાં ચૂંટી કાઢે છે તે જ નેતાઓ તેના મતદારોને પણ છોડતા નથી. રાજકીયપક્ષમાં પોતાનું કદ જમાવવા ગમે તેવા નુસખા અપનાવે છે. ભ્રષ્ટ આચરણ અને સંપત્તિની લૂંટ આજના નેતાઓની આદત બની ગઈ છે. ખુરશીની ખેંચાખેંચ વચ્ચે પ્રજાની ખુશી ભુલાઈ ગઈ છે. હું માનું છું કે ઈશ્વર આપણને તેમાંથી જરૂર ઉગારશે.
આજે તમે મારું ભવ્ય સન્માન કર્યું છે તેનાથી જેટલો હું રાજી છું તેના કરતાં મારી પ્રત્યેક વાતોનો સ્વીકાર કરી તેનું આચરણ કરશો તેમાં મારી રજામંદી હશે. કારણ તે માટે જ હું આજે તમારી વચ્ચે આવ્યો છું. મારું આવવું ત્યારે જ સાર્થક થયું ગણાશે જયારે લોકોને શુદ્ધ ખાદ્યપદાર્થ ખરીદી શકે તેવા તમારા કેન્દ્રો સ્થપાશે. મારું આવવું ત્યારે જ સફળ ગણાશે જ્યારે તમારા દ્વારા નફાનું પ્રમાણ વેચાણ કરેલ વસ્તુના પરિપેક્ષ્યમાં યોગ્ય મૂલ્યાંકનના ધોરણે થશે. મારું આવ્યું ત્યારે જ પુરવાર થશે જ્યારે સરકાર પર તમારી ધાક પ્રજાના કલ્યાણ અને હિત માટે તમે કામે લગાવશો. કોઈ પણ રાજકીય નેતાઓને જરૂરી આર્થિક ભંડોળ આપતા પહેલા તમારી શરત પ્રજાની સુખાકારી માટે હોવી જોઈએ. એટલે કે બાળકોનાં શિક્ષણ માટેની ઉત્તમ શાળાઓ, કૉલેજો, છાત્રાલયો, સરળતાથી પરિવહન થઈ શકે તેવા રોડ રસ્તા અને એના જેવું ઘણું બધું.
ચુંટાયેલા નેતાઓ આ બધું કરવા બાધિત બને અન્યથા આવા લોકોની ચોટલી પકડી તેને કહેવામાં આવે કે- મહાશય, તમને જે અમારી કંપની કે વેપારી પેઢી દ્વારા ચૂંટણીમાં નાણાંકીય સહાય આપવામાં આવી હતી તે સઘળાં નાણાં પરત કરવામાં આવે. કારણ કે તમો ચુંટાયા પછી તમારું વચન જે અમને આપ્યું હતું તે પાળી શક્યા નથી. હું આશા રાખીશ કે-આપ તેમ કરવા પ્રયત્નશીલ થશો.- તેમ કહી પ્રગટમુનિએ પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું.