ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષિત યુવાધનનું યોગદાન મહત્વનુંઃઓ. પી. કોહલી

874

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ગાંધીનગર ખાતે ગુજરાત કેન્દ્રિય વિશ્વવિદ્યાલયના પ્રથમ દિક્ષાંત સમારોહ પ્રસંગે પદવી મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

સફળ વિદ્યાર્થીઓને પદવીદાન પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, યુવાનો પાસે રાષ્ટ્રને અપેક્ષા છે, તેની પૂર્તિ માટે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની વિશેષ ભૂમિકા રહે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશને વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપણા પુરુષાર્થમાં શિક્ષિત યુવાધનનું યોગદાન મહત્વનું છે. રાજ્યપાલે ઉમેર્યું હતું કે, દેશની પ્રગતિ માટે કુશળ માનવ સંશાધનની જરૂર પડે છે જે શિક્ષણ સંસ્થાઓમાં તૈયાર થાય છે.

રાજ્યપાલે મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ‘‘ગાંધીજીના સપનાનું ભારત’’ વિશે માર્મિક વાતો કરી હતી. તેમણે નરસિંહ મહેતાને યાદ કરી પરાઇ પીડાને જાણનાર જ સાચો નાગરિક બની શકે તેમ જણાવ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે,  આધુનિક બનવાની હોડમાં આપણી સાંસ્કૃતિક પરંપરા અને વિરાસતને આપણે ભૂલી જઇએ, જીવનમૂલ્યોને ભૂલી જઇએ તો મોટું નુકશાન થશે. આથી જ આજે બૌદ્ધિક કુશળતા અને વ્યાવસાયિક કુશળતા સાથે ભાવનાત્મક કુશળતા હોવી પણ જરૂરી છે. જેથી માનવીય સંવેદના સતત ધબકતી રહે.

બદલાતા સમયની સાથે અભ્યાસક્રમોનું આધુનિકિકરણ અને શિક્ષકોને અપગ્રેડ અને અપડેટ રહેવા પર પણ ખાસ ભાર મૂક્યો હતો.

ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રથમ પદવીદાન પ્રસંગે સાહિત્ય, રસાયણ વિજ્ઞાન, લાઇફ સાયન્સ, સ્કૂલ ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સ્કૂલ ઓફ નેનો સાયન્સ, સ્કૂલ ઓફ સોશીયલ સાયન્સ અને સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

Previous articleગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયો
Next articleટ્રાફિકના નિયમના ભંગ બદલ લાયસન્સ જપ્ત કે સસ્પેન્ડ થશે