ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે સરકારે લાલ આંખ કરી આરટીઓ અધિકારીઓને લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સત્તા આપી છે. હવે વાહન રોંગ સાઇડ લઇને આવનારા, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરનારા, કારમાં સીટ બેલ્ટ પહેર્યો ના હોય, વાહન ભયજનક હંકારતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કિસ્સામાં ટ્રાફિક પોલીસ વાહનચાલકને આરટીઓ લઈ જશે. બંને પક્ષની દલીલ સાંભળી સ્થળ પર જ લાઇસન્સ સસ્પેન્ડ કરાશે.
અત્યાર સુધી પાંચથી વધુ મેમો હોય તો વાહનના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને જાણ કરાતી હતી. ૪૦ હજારથી વધુ અરજીઓ આરટીઓમાં પેન્ડિંગ છે. સમયના અભાવે લાઇસન્સ સસ્પેન્ડની પ્રક્રિયા ઝડપી થઇ શકતી નથી. સરકારે સુનાવણી કરી લાઇસન્સ સસ્પેન્ડની સત્તા સોંપતા હવે સ્થિતિ વધુ કથળશે, તેવું પૂર્વ અધિકારીઓ જણાવી રહ્યા છે. લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે સુનાવણીની કાર્યવાહી કરવા આરટીઓમાં સાત અધિકારીને જવાબદારી સોંપાઇ છે.
સુભાષબ્રિજ આરટીઓ ખાતે લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે બપોર ૩થી ૬માં સુનાવણી થશે. ટ્રાફિક પોલીસ-વાહન ચાલકની દલીલો સાંભળી આરટીઓ અધિકારી કેટલા સમય માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવું તેનો નિર્ણય લેશે.
ટ્રાફિકના નિયમના ભંગના કોઈપણ ગુનામાં ઓછામાં ઓછું ત્રણ મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ થશે. આરટીઓએ નક્કી કરેલા અધિકારી નિર્ણય લેશે.
વાહન અકસ્માતના કિસ્સામાં વાહન ચાલકોના લાઇસન્સ ટ્રાફિક પોલીસ જમા લઇ લેશે. જમા લીધેલું લાઇસન્સ આરટીઓને સોંપી દેવાશે. અકસ્માતમાં સામાન્ય ઇજા હશે તો આરટીઓમાં ત્વરિત સુનાવણી કરાશે અને ગંભીર ઇજા હશે અથવા મૃત્યુ થયું હશે, તેવા કિસ્સામાં બંને પક્ષને સાંભળ્યા પછી જ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાશે.