સબરીમાલામાં ચાર ટ્રાન્સજેન્ડર્સે મંગળવારે ભગવાન અયપ્પાના દર્શન કર્યાં હતા. આ લોકોને રવિવારે મંદિર જવાની પરવાનગી ન મળી હતી. પરંતુ એક દિવસ પહેલા મંજૂરી મળ્યા બાદ તેઓ આજે દર્શન કરવા પહોંચ્યા હતા. આ તમામે કાળી સાડી પહેરી હતી. સવારે અરુમેલી પહોંચ્યા પછી એર્નાકુલમના ચાર ભક્તોએ સાડી પહેરી અને નિલક્કલથી પંબા સુધી તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યા હતા.
સવારે ૯.૪૫ વાગ્યે અનન્યા, તૃપ્તિ, રેન્જુમોલ અને અવંતિકાએ મંદિર સંકુલ પહોંચી પૂજા-અર્ચના પૂર્ણ કરી. આ દરમિયાન કોઈ પણ જૂથ દ્વારા તેનો વિરોધ કરાયો ન હતો. રવિવારે આ બધાને પોલીસે પહાડી પર ચઢાણ કરવાથી એટલા માટે રોક્યા હતા કારણ કે તેઓએ કહ્યું હતું કે તેઓ સાડીમાં દર્શન કરવા માંગે છે.
ત્યારબાદ તેમણે કોટ્ટાયમ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી અને સોમવારે કેરળ હાઇકોર્ટ દ્વારા નિયુક્ત પોલીસ મહાનિદેશક એ.હેમચંદ્રનનો પણ સંપર્ક કર્યો જે યાત્રાધામની દેખરેખ કરનાર ત્રણ સભ્યોની સમિતિનો ભાગ છે. આ પછી એક ટ્રાન્સજેન્ડર અનન્યાએ મીડિયાને કહ્યું કે તેમને પરવાનગી મળી છે. ટ્રાન્સજેન્ડરોને પહેલા પણ મંદિરમાં જવાની પરવાનગી મળી હતી અને આ સમૂહના લોકોએ અહીં પૂજા-અર્ચના પણ કરી હતી.