સંસદના શિયાળુ સત્રમાં ધાંધલ ધમાલ જારી છે. આજે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો રહ્યો હતો. જેથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે મોકુફ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી જેપીસીની માંગને લઇને મક્કમ છે.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે રાફેલના મામલે કોંગ્રેસ પાર્ટી જેપીસીની તપાસને લઇને ઇચ્છુક છે. આના મારફતે તપાસ કરવાથી વાસ્તવિક બાબત સપાટી પર આવી જશે. આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ધાંધલ ધમાલની શરૂઆત થઇ હતી. લોકસભામાં સ્પીકર સુમિત્રા મહાજન અને રાજ્યસભામાં અધ્યક્ષ વેકૈયા નાયડુ હાજર રહ્યા હતા.
આજે પણ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી માંગને લઇને ટીડીપીના સાંસદોએ સંસદના સંકુળમાં ગાંધીની પ્રતિમા નજીક દેખાવો કર્યા હતા. જુદા જુદા વિષયો ઉપર ધાંધલ ધમાલ રહી હતી. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે હોબાળો રહ્યો હતો. આ મુદ્દે ટીડીપીના સાંસદોએ હોબાળો મચાવ્યો તો જ્યારે કાવેરી જળ વહેંચણીના મુદ્દા ઉપર અન્નાદ્રમુકના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. ભારે ધાંધલ ધમાલ અને નારાબાજી વચ્ચે લોકસભામાં કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. ગઇકાલે મંગળવારના દિવસે રાજ્યસભામા પણ ભારે હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઇ ગઇ હતી. લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. રાફેલ, ત્રણ તિલાક, શિખ વિરોધી રમખાણ અને અન્ય મુદ્દા પર જુદા જુદા પક્ષોના લોકોએ હોબાળો કર્યો હતો.આજે ધાંધલ ધમાલ વચ્ચે પહેલા લોકસભાની કાર્યવાહીને ૧૨ વાગે સુધી મોકુફ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી બેઠક મળ્યા બાદ હોબાળો જારી રહેતા કાર્યવાહી દિવસ માટે મોકુફ કરવામાં આવી હતી. રાજ્યસભામાં પણ આવી જ સ્થિતી રહી હતી.સંસદના શિયાળુ સત્રના કિંમતી દિવસો હાલમાં બગડી રહ્યા છે.