INX મિડિયા : ચિદમ્બરમની કલાકો સુધી કરાયેલ પુછપરછ

717

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની આઈએનએક્સ મિડિયાના મામલામાં પુછપરછ કરવામાં આવી હતી. ચિદમ્બરમ મળેલી સૂચના મુજબ સવારે ૧૧ વાગે એજન્સીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ ઇડીના અધિકારીઓએ તરત જ અનેક મુદ્દાઓ ઉપર તેમની પુછપરછ શરૂ કરી હતી. પુછપરછનો દોર કલાકો સુધી ચાલ્યો હતો. આમા વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ દ્વારા આઈએનએક્સ મિડિયાને ૨૦૦૭માં આપવામાં આવેલી મંજુરીના મુદ્દા ઉપર પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમને નવેમ્બર મહિનામાં એજન્સી દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. ઇડીની સમક્ષ નિવેદન નોંધાવવા ચિદમ્બરમને વારંવાર કેવામાં આવ્યું હતું. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ પાસેથી મંજુરી અપાવવામાં કઇરીતે વ્યવસ્થા કરી હતી તેને લઇને સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. કાર્તિ ચિદમ્બરમને આઈએનએક્સ મિડિયાને ૨૦૦૭માં એફઆઈપીબી પાસેથી મંજુરી મેળવવાના મામલામાં લાંચ લેવાના આરોપમાં ૨૮મી ફેબ્રુઆરીના દિવસે પકડી પાડવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૦૭ના ગાળા દરમિયાન કાર્તિના પિતા ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણામંત્રી તરીકે હતા. કાર્તિને મોડેથી જામીન મળી ગયા હતા. આ મામલામાં ઇડીએ કાર્તિના સીએ ભાસ્કર રમનની પણ ધરપકડ કરી હતી. મોડેથી તેમને પણ જામીન મળ્યા હતા. ઇડીની હજુ સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ પાસેથી મંજુરી મેળવવા માટે આઈએનએક્સ મિડિયાના પાર્ટનર પીટર અને ઇન્દ્રાણી મુખર્જીએ ચિદમ્બરમને મળીને આગળ વાત વધારી હતી. તેમના અરજીપત્રમાં કોઇપણ પ્રકારના વિલંબ ન થાય તે દિશામાં આગળ વધવાના હેતુસર આ વાતચીત થઇ હતી. પી ચિદમ્બરમને તેમના પુત્રના વ્યાપારિક હિતોને ધ્યાનમાં લઇને આજે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પીટર મુખર્જી દ્વારા કાર્તિ ચિદમ્બરમના નિયંત્રણવાળી એએસસીપીએલ અને અન્ય જોડાયેલી યુનિટોની હેરાફેરી કરીને ડેબિટ નોટ્‌સ મારફતે ૩.૦૯ કરોડ રૂપિયાની ચુકવણીની ઓળખ કરવામાં આવી છે. તપાસ સંસ્થાઓએ કહ્યું છે કે, તપાસ બાદ એવું કબૂલી લેવામાં આવ્યું છે કે, ડેબિટ નોટ્‌સ કાર્તિના ઇશારે તૈયાર કરવામાં આવ્યા હતા. આના મારફતે લેવડદેવડ કરવામાં આવી હતી જે હકીકતમાં લેવડદેવડ થઇ ન હતી. ઇડીએ કહ્યું હતું કે, આ રીતે જે રૂપિયા જોડાયેલા એકમોને મળ્યા હતા તે ગેરકાયદેરીતે કાર્તિ ચિદમ્બરમની કંપનીમાં લગાવી દેવામાં આવ્યા હતા. ઇડીએ કાર્તિ ચિદમ્બરમની ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ પહેલાથી જ જપ્ત કરી લીધી છે. ઇડીએ આની સાથે જોડાયેલા મામલામાં મુખર્જીની સંપત્તિ પણ જપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એરસેલ-મેક્સિસ કેસમાં પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને રાહત મળવાનો સિલસિલો જારી છે. ગઇકાલે તેમને વધુ રાહત મળી ગઈ હતી. હવે ૧૧મી જાન્યુઆરી સુધી ચિદમ્બરમની ધરપકડ કરી શકાશે નહીં. સ્પેશિયલ જજ ઓપી સૈનીએ ચિદમ્બરમ અને તેમના કાર્તિને આપવામાં આવેલી રાહતને આજે લંબાવી હતી. સીબીઆઈ અને ઇડી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, નવી સામગ્રી જે રિકવર કરવામાં આવે છે તેમાં હજુ તપાસ બાકી છે. હવે આ કેસમાં આ બંનેની ૧૧મી જાન્યુઆરી સુધી ધરપકડ કરી શકાશે નહીં. બીજી બાજુ આ કેસમાં આરોપી લોકો સામે ખટલો ચલાવવા પરવાનગી મેળવવા સીબીઆઈને આ મહેતલ આપવામાં આવી હતી.  અગાઉ દિલ્હી કોર્ટે ધરપકડથી રક્ષણની અવધિ ૨૬મી નવેમ્બર સુધી વધારી દીધી હતી. ચિદમ્બરમે આ વર્ષે અનેક પ્રકારની કાયદાકીય ગૂંચનો સામનો કર્યો છે. કોર્ટે તે પહેલા અનેક વખત ચિદમ્બરમ અને તેમના પુત્રને રાહત આપી છે અને ધરપકડ સામે મનાઈ હુકમ મુક્યો છે. ૮મી ઓક્ટોબરના દિવસે ચિદમ્બરમ અને તેમના પત્ર કાર્તિને ધરપકડથી વચગાળાની સુરક્ષાની અવધિ વધારીને પહેલી નવેમ્બર કરી દીધી હતી. ત્યારબાદ ૨૬મી નવેમ્બર કરવામાં આવી હતી.

Previous articleશિયાળુ સત્ર : રાફેલના મુદ્દા પર ફરીવાર હોબાળો થયો
Next articleડી કંપની ઉપર સકંજો : દાઉદના ભત્રીજાને ભારત લાવવા પ્રયાસો