રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આજે ખેડૂતોની દેવા માફીની જાહેરાત કરી હતી. આની સાથે જ એક પછી એક રાજ્યો ખેડૂતોના દેવા માફીની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી ૧૮૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવાને માફ કરવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસની મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકાર પણ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી ચુકી છે. કોંગ્રેસ સરકારવાળા રાજ્યોની સંખ્યા પણ વધી ગઈ છે. આ પહેલા આસામ સરકારે પણ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ત્રણ રાજ્યોમાં ચૂંટણીથી પહેલા દેવા માફીની જાહેરાતનો મોટો મુદ્દો બન્યો હતો.
રાહુલ ગાંધીએ પોતાની રેલીમાં કહ્યું હતું કે, સરકાર બન્યાના ૧૦ દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. આસામમાં ભાજપ સરકારે પણ દેવા માફીની જાહેરાત કરી છે. આશરે આઠ લાખ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવ્યા છે. આનાથી સરકાર પર ૬૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. ગુજરાત સરકારે ગ્રામિણ વિસ્તારોમાં વિજળી ગ્રાહકોના બિલને માફ કરવાની જાહેરાત કરી દીધી છે. આસામ અને ગુજરાત સરકાર દ્વારા દેવા માફીની જાહેરાત કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યમંત્રીઓની ંઉંઘ હરામ કરી દીધી છે. તેમને જગાવી દેવામાં આવ્યા છે પરંતુ વડાપ્રધાન હજુ પણ ઉંઘમાં છે. વડાપ્રધાન દેશના ખેડૂતોનું દેવું માફ કરે તેમ કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે. આ સંદર્ભમાં રાહુલ ગાંધીની ચારેબાજુ ટિકા થઇ રહી છે. બીજી બાજુ ચૂંટણી પંચ અને નીતિ આયોગ સહિતના થિંક ટેંક દ્વારા ખેડૂતોના દેવા માફીને લઇને નીતિ યોગ્ય નહીં હોવાની વાત કરી છે અને કહ્યું છે કે, આનાથી ખેડૂતોને સંપૂર્ણપણે ફાયદો થશે નહીં. રાજસ્થાનમાં સ્થિતિ નહીં હોવા છતાં ગેહલોત સરકારે દેવા માફીની જાહેરાત કરી છે.