ગુજરાત કેડર ૧૯૯૨ બેચના આઈપીએસ અધિકારી રજનીશ રાયએ એક નોટ લખીને નોકરી છોડી દીધી છે. તેમણે કહ્યુ છે કે મને નિવૃત થયેલો ગણવામાં આવે. તેમણે ૨૦૦૫ સોહરાબુદ્દીન કેસની તપાસ કરી હતી. તેમણે સ્વૈચ્છીક સેવા નિવૃતિ માટે અરજી કરી હતી જેને ગૃહ મંત્રાલયે ફગાવી દીધી હતી. તેમણે આ ફેંસલાને પડકારતા અમદાવાદ સ્થિત ટ્રીબ્યુનલમાં એટલે કે કેટમાં અપીલ કરી હતી. અપીલ પર કાર્યવાહી કરતા કેટ એ કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટીસ જારી કરી છે અને ૧ લી જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં જવાબ માંગ્યો છે.
રાય સત્તાવાર રીતે આંધ્ર પ્રદેશના ચિતુર જિલ્લામાં કાઉન્ટર ઈન્સર્જન્સી અને એન્ટી ટેરેરીઝમ સ્કૂલના આઈજી પદ પર છે.
તેમણે ટ્રીબ્યુનલમાં જવાનો ફેંસલો એવા સમયે લીધો કે જ્યારે તેમને ઈ-મેઈલ કરી જણાવાયુ કે ગૃહ મંત્રાલયના સક્ષમ અધિકારી દ્વારા તેમની નિવૃતિની અરજીનો અસ્વીકાર કરવામાં આવે છે અને તેઓ તરત જ ફરજ પર હાજર થાય. સિલોંગમાં ફરજ વખતે ૨૦૧૭માં રાયે આસામમાં બે કથીત આતંકવાદીઓ મર્યા તેને શંકાસ્પદ એન્કાઉન્ટર ગણાવ્યાનો રીપોર્ટ કર્યો હતો તે પછી તેમને સિલોંગથી ચિતુર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ પહેલા તેઓ ઝારખંડમાં યુરેનીયમ કોર્પો.માં વિજીલન્સ ઓફિસર હતા. જ્યાં તેમણે કથીત ભ્રષ્ટાચાર પર રીપોર્ટ તૈયાર કર્યો હતો. તેમણે ભલામણ કરી હતી કે કોર્પોરેશનના અનેક વરિષ્ઠ અધિકારીઓ પર આપરાધીક કેસ કરવામાં આવે. આ રીપોર્ટ માટે સરકારે સક્ષમ અધિકારીની પરવાનગી વગર કાર્યવાહી કરવા બદલ તેમના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કર્યુ હતું.