મોડાસાની સિંચાઈ કોલોની ખાતે આવેલા વેધર સ્ટેશન માત્ર સ્ટાફના અભાવે જ ધુળ ખાઈ રહયુ હોવાથી અને કિંમતી સાધનો બીસ્માર બની રહયા હોવાથી તંત્રની નઘરોળ નીતી સામે જ રોષ વ્યાપ્યો હતો.અને આ વેધર સ્ટેશન સત્વરે શરૃ કરવા અને જિલ્લા વાસીઓને જરૃરી તાપમાન,હવામાં ભેજનું પ્રમાણથી માંડી પવનની ગતિ-દિશા એ વરસાદી આંકડા સરળતાથી મળી રહે તેવું આયોજન કરવાની માંગ ઉઠી હતી.
વર્ષ ૨૦૦૦ ની સાલમાં મોડાસા ખાતે નર્મદા ર્વાટર રીસોર્સ એન્ડ વોટર સપ્લાય ડીપાર્ટમેન્ટના ડબલ્યુઆર આઈ ડીવીઝન (અમદાવાદ) દ્વારા વેધર સ્ટેશન ઉભું કરાયું હતું.જરૃરી સાધનોથી સજ્જ આ વેધર સ્ટેશન દ્વારા મહત્તમ,લઘુત્તમ તાપમાન,હવામાં ભેજ, ધુમ્મસ,પવનની ગતિ,પવનની દિશા સહિત વરસાદના આંકડા ઓ મેળવવામાં આવતા હતા.
પરંતુ સરિતા માપક વિભાગ પાસેથી સિંચાઈ વિભાગને હવાલે કરાયેલું આ વેધર સ્ટેશન છેલ્લા દોઢ વર્ષથી માત્ર સ્ટાફના અભાવે જ ધૂળ ખાઈ રહયું છે.
મોડાસ સિંચાઈ વિભાગ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ વેધર સ્ટેશનના જુદાજુદા આંકડાઓ નોંધવાની કામગીરી સંભાળી રહેલ કર્મચારી નિવૃત્ત થયા બાદ આ જગા ઉપર કોઈની નિમણૂંક કરાઈ નથી.અને છેવટે માત્ર સ્ટાફના જ અભાવે આ વેધર સ્ટેશનની કોઈ સાર સંભાર કે આંકડા નોંધવાની કામગીરી અધ્ધરતાલ બની રહી છે.
નવરચિત અરવલ્લી જિલ્લામાં મોડાસા સિવાય કોઈ સરકારી વેધર સ્ટેશન જ નથી.મોડાસા ખાતેનું વેધર સ્ટેશન તંત્રની ઘોર બેદરકારીથી બિસ્માર બન્યું છે.છતાં આવા સંવેદનશીલ પ્રશ્ને પણ તંત્ર નઘરોળ બની બેસતાં ભારે રોષ ફેલાઈ રહયો છે.અને સુવિધા સજ્જ વેધર સ્ટેશન સત્વરે શરૃ કરાય તેમજ જિલ્લામાં ભૂકંપ માપક સેન્ટર પણ શરૃ કરાય તેવી માંગ ઉઠી છે.
સિંચાઈ વિભાગ હસ્તકના મોડાસા ખાતેના વેધર સ્ટેશનની મુલાકાત ગાંધીનગરથી આવેલ ટીમે લીધી હોવાનું વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.અને આ વેધર સ્ટેશન ઓટોમેટિક સીસ્ટમથી સજ્જ કરાશે એવું આશ્વાસન સંબંધીત વિભાગ દ્વારા અપાયું હતું.