રાજકોટ જિલ્લામાં જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પૂર્વે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોનાં ૬ લાખ ૨૨ હજાર વીજ કનેક્શનનાં ૬૫૦ કરોડના વીજ બિલ માફ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરવા બદલ ચૂંટણી પંચે ગુજરાત સરકારને નોટિસ આપી છે. દેખીતી રીતે જ, સરકારે મતદાતાઓને આકર્ષવા માટે આ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી રાજકોટમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ૨૦ ડિસેંબરના ગુરુવારે મતદાન છે અને ૨૩મીએ મતગણતરી-પરિણામ છે. રાજ્ય સરકારે ગઈ કાલે આની સાથોસાથ બીજી પણ મોટી જાહેરાત કરી હતી, રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસની શાખા શરૂ કરવા વિશે. ચૂંટણી પંચે ગુજરાત સરકારના ઊર્જા તથા આરોગ્ય મંત્રાલયોને નોટિસ આપી છે અને સરકાર પાસે ખુલાસો માગ્યો છે. રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે ગઈ કાલે જાહેરાત કરી હતી કે, વીજ માફી યોજના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ બંધ વીજ જોડાણને લાગુ પડશે. જ્યારે શહેરી વિસ્તારોમાં બી.પી.એલ પરિવારોને યોજનાનો લાભ મળશે. ૫૦૦ રૂપિયા ભરપાઈ કરવાથી બાકી નીકળતી રકમ અને તેનું વ્યાજ ભરવામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે અને બંધ વીજ જોડાણો ફરી ચાલુ કરી અપાશે. ચૂંટણી પંચે સરકારને પૂછ્યું છે કે, જસદણ પેટાચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવા છતાં સરકારે વીજબિલ માફીની જાહેરાત કેમ કરી? રાજ્ય સરકારે ચૂંટણી પંચની અગાઉથી મંજૂરી લીધા વિના આ જાહેરાત શા માટે કરી ? જસદણમાં ચૂંટણીપ્રચારના પડઘમ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાથી બંધ થઈ ગયા છે.
આ ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાને ઉતાર્યા છે, જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. એમની સામે કોંગ્રેસે અવસર નાકીયાને ઉતાર્યા છે. ૨૦૧૭માં આ જ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બનેલા બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાના અમુક જ કલાકોમાં એમને વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસ, બંને માટે જસદણ પેટાચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન છે. ભાજપ બાવળીયા મારફત કોળી સમાજ પર વગ વધારવાના પ્રયાસમાં છે જ્યારે કોંગ્રેસ પાર્ટી હાલમાં જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી જીતથી નવી ઊર્જા સાથે જસદણ ચૂંટણી લડી રહી છે.