વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોદી આગામી ૨૧ અને ૨૨ ડીસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તે પહેલાં કેવડિયા ખાતેના સરદાર સરોવર ડેમની મુલાકાતે જશે અને ત્યાર પછી વડોદરામાં ભાજપ મહિલા મોરચાના કાર્યક્રમમા હાજર રહેશે.મોદી ૨૧ ડીસેમ્બરે ગુજરાત આવી જશે અને દેશભરનાં રાજ્યોના પોલીસ વડાઓની ડી.જી. કોન્ફરન્સમાં ભાગ લેશે. એ જ દિવસે કેવડીયા ખાતે ઉભા કરાયેલા વિશ્વ વનનું લોકાર્પણ કરશે. ૨૨ ડીસેમ્બરે મોદી વડોદરામાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહમા હાજરી આપશે અને સમાપન સંબોધન કરશે. ભાજપના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન પહેલાં ગાંધીનગર ખાતે યોજવાનું નક્કી કરાયું હતું.
આ કાર્યક્રમ પ્રમાણે બે દિવસ માટે ૨૧ અને ૨૨ ડીસેમ્બરે જ યોજાશે પણ મોદીની મુલાકાતને અનુલક્ષીને તેનું સ્થળ બદલાયું છે. હવે તેનું આયોજન વડોદરા ખાતે કરવાનો આખરી નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન મહિલા મોરચાના અધિવેશનના સમાપન સત્રને સંબોધવા વડોદરા આવશે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રૂપિયા ૧.૧૪ કરોડના ખર્ચે વિશ્વ વન બનાવવામાં આવ્યું છે. આ વિશ્વ વનમાં દુનિયાના સાત ખંડમાંથી, જે તે ખંડની વિશેષતાવાળાં વૃક્ષો લાવીને વાવેતર કરાશે. આ વનનું ૨૧ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. વિશ્વ વન ૨ એકરમાં વિકસાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા નર્સરી પણ બનાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને ફૂલોના છોડ રાહત દરે મળશે.