ઘોઘારોડ પર ટ્રકની ટક્કરે એકટીવા ચાલક મહિલાનું મોત

1743

શહેરના ઘોઘારોડ ૧૪ નાળા પર આજે બપોરના સુમારે તોતીંગ ટ્રકની અડફેટે આવી જતા એકટીવા ચાલક મહિલાનું ચગદાઈ જતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું જ્યારે તેની પુત્રી ફંગોળાઈ જતા ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવ બનતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને રોષભેર ટ્રકના કાચ ફોડી નાખ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને તાજેતરમાં જ તેના પિતાનું મૃત્યુ થયુ હોય અમરેલીથી ભાવનગર આવેલા નૈનાબા ઘનશ્યામસિંહ જોડજા ઉ.વ.૨૪ આજે બપોરના સમયે એકટીવા સ્કુટર નં.જી.જે.૪ ડી.ડી.૭૭૨૨ પર પોતાની પુત્રીને લઈને ઘોઘાસર્કલથી ઘોઘારોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ૧૪ નાળા પર આવી રહેલા ટ્રક નં.જી.જે.૧૨ ડબલ્યુ ૭૮૧૨ના ચાલકે એકટીવાને ધડાકાભેર અડફેટે લેતા નૈનાબાનું ટ્રકના વ્હીલ નીચે માથુ છુંદાઈ જતા તેઓનું ઘટનાસ્ળથે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે પુત્રી હવામાં ફંગોળાઈ જતા તેને લોહીયાળ ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય હતી. બનાવ બનતાની સાથે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને રોષભેર ટ્રકના કાચ ફોડી નાખ્યા હતા. દરમિયાન પોલીસને જાણ થતા બી.ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો તૈયાર કરી લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Previous articleસિંધુનગરમાં ગેરકાયદે મંદિર પર આખરે તંત્રએ બુલડોઝર ફેરવ્યું
Next articleગાંધી વિચારનું શિક્ષણ : સાંપ્રત અને સતત