વડાપ્રધાન મોદીની સાથે હાલમાં જ થયેલી પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે અભિનેત્રી દિયા મિર્ઝાએ સવાલ ઉઠાવ્યાં છે. દિયાએ પૂછ્યું કે આ પ્રતિનિધિમંડળમાં કોઈ મહિલા કેમ ન હતી? અક્ષય કુમારે આ મુલાકાતને લઈને ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે પીએમની સાથે ઈન્ડસ્ટ્રીની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી. તેના ટ્વીટ પર જ દિયાએ ડેલિગેશનમાં મહિલાઓની ભાગીદારીને લઈને સવાલ ઉઠાવ્યાં હતા.
લિપસ્ટિક અંડર માય બુર્ખાની ડાયરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવે પણ આ મુલાકાત વિશે ટિ્વટ કર્યું છે. તેણે કહ્યું છે કે, પ્રતિનિધિ મંડળમાં કોઈ મહિલા હોત તો સારું થાત. ૧૮ ડિસેમ્બરે ૧૮ સભ્યોના પ્રતિનિધિ મંડળે મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી અક્ષય કુમારે ટિ્વટ કરી હતી. તેણે લખ્યું હતું કે, મુલાકાત માટે વડાપ્રધાનનો આભાર. તેમણે અમારા સૂચનો સાંભળ્યા અને સકારાત્મક વિચાર પણ કર્યો. આ પ્રતિનિધિ મંડળમાં અક્ષય કુમાર સિવાય કરણ જૌહર, અજય દેવગણ, પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર, ફિલ્મમેકર રિતેશ સિધવાની અને ફિલ્મ પ્રમાણ બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી હાજર હતા.
દિયાએ અક્ષયના ટિ્વટ પર રિ-ટિ્વટ કરીને કહ્યું કે, મહિલાઓ ક્યાં છે? ખૂબ સરસ, શું કોઈ કારણ હતું કે, આ રૂમમાં કોઈ મહિલા નથી? એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી છે કે, આ મૂલાકાતના આયોજકોને સવાલ કરવો જોઈએ કે, પ્રતિનિધિ મંડળમાં કોઈ મહિલા કેમ નથી?