બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહે એક વીડિયો જાહેર કર્યો છે તેના કારણે ઘણો વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું છે કે, આજે ભારતમાં તેઓ તેમના બાળકોને લઈને ખૂબ ડરેલા છે. તેમણે કહ્યું કે, મને એ વાતનો ડર લાગે છે, જો મારા બાળકોને ભીડે ભેગા થઈને ઘેરી લીધી અને પૂછ્યું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ? તો મારા બાળકો પાસે કોઈ જવાબ નહીં હોય. કારણ કે મેં મારા બાળકોને ધર્મની તાલીમ નથી અને મારું માનવું છે કે ભલાઈ અને બુરાઈને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી.
નસીરુદ્દીન શાહે વીડિયોમાં આગળ કહ્યું છે કે, હાલ સમાજમાં ચારેય બાજુ ઝેર ફેલાઈ ગયું છે. મને તે વાતની ચિંતા છે કે સ્થિતિ જલદી સુધરે તેવું લાગતું નથી. દેશમાં જે લોકો કાયદો હાથમાં લે છે તેમની સામે દંડનો પૂરતો કાયદો હોવો જોઈએ. નસીરુદ્દીન શાહે વીડિયોમાં બુલંદ શહર હિંસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તાજેતરમાં જ આપણે જોયું કે, એક પોલીસ અધિકારીના મોત કરતાં ગાયના મોતને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.
નસીરુદ્દીન શાહનો આ વીડિયો જાહેર થયા પછી હવે તેમના નિવેદનનો રાજકીય વિરોધ શરૂ થઈ ગયો છે. શિવસેનાએ આ મુદ્દે કડક પ્રતીક્રિયા આપતા કહ્યું છે કે, નસીરુદ્દીન શાહે આવું નિવેદન ન આપવું જોઈએ. જોકે નસીરુદ્દીન શાહ આ પહેલાં પણ દેશની સ્થિતિ પર ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે.