ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી રેન્કિંગમાં ટોચનું સ્થાન યથાવત જાળવી રાખ્યું છે, જ્યારે યુવાન વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત અને ઝડપી બોલર જસપ્રિત બૂમરાહ પોતાના કારકિર્દીના શ્રેષ્ઠ રેન્કિંગ પર છે. કોહલીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થમાં બીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ૧૨૩ રન બનાવવા પર ૧૪ અંક મળ્યા હતા. તેના કુલ ૯૩૪ અંક થયા છે અને તે બીજો ક્રમ મેળવનાર ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનથી ૧૯ અંક આગળ છે. જોકે પર્થ ટેસ્ટ મેચ ૧૪૬ રનથી જીતીને ઓસ્ટ્રેલિયાએ ચાર મેચોની શ્રેણી ૧-૧થી બરાબર કરી લીધી છે.
નોંધનીય છે કે કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં સારો દેખાવ કરી શક્યો ન હતો. તેણે ત્રણ અને ૩૪ રન બનાવ્યાં, જેનાથી તેને ૧૫ અંકોનું નુકસાન થયું હતું. કોહલીના ૯૨૦ અંકો થઇ હતા અને તેના અને વિલિયમસન વચ્ચે સાત અંકનું અંતર હતું. બીજી તરફ તાજેતરના રેંકિંગ મુજબ રિષભ પંત ૧૧ ક્રમ આગળ વધીને ૪૮માં સ્થાન પર છે, જ્યારે ભારતીય ઉપકપ્તાન અજિંક્ય રહાણેએ બે ક્રમ ઉપર ટોચ ૧૫માં સ્થાન મેળવ્યું છે. વિલિયમસને શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં ૯૧ રન બનાવ્યા. તેના કુલ ૯૧૫ અંક છે. ન્યુઝીલેન્ડના ટોમ લાથમ અણનમ ૨૬૪ રનોની પોતાની ઇનિંગના કારણે ૧૫ ક્રમની છલાંગ સાથે કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ એવા ૨૨મા ક્રમે પહોંચ્યો છે.
ઝડપી બોલર ટિમ સાઉધી ૧૧મી સ્થાન પર છે. પર્થ ટેસ્ટમાં ’મેન ઑફ ધ મેચ’ રહેલા નાથન લિયોન કારકિર્દીના શ્રેષ્ઠ સાતમા ક્રમાંક પર છે. જોશ હેઝલવુડ બે ક્રમ ચઢી નવમાં અને મિશેલ સ્ટાર્ક એક ક્રમચઢીને ૧૫મા સ્થાને છે. બેટ્સમેનમાં ઉસ્માન ખ્વાજા એક ક્રમ ચઢીને ૧૨માં અને કપ્તાન ટિમ પેન નવ ક્રમ ચઢીને ૪૬માં સ્થાન પર છે.