ઈડર તાલુકાના રેવાસમાં સોમવારે સાંજના સુમારે જુના મકાનની દિવાલ તોડવાનું કામ ચાલતું હતું. તેવામાં અકસ્માતે બાજુના મકાનની દિવાલ ધસી પડતાં, આ દિવાલ નીચે દબાયેલા ચાર પૈકી એક મજુરનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ઘાયલોને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત (એ.ડી.)ની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.
રેવાસ ગામે રહેતા શૈલેષભાઈ છગનભાઈ પટેલના જુના મકાનને દુરસ્ત કરી નવું મકાન બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. આ મકાનને દુરસ્ત કરવા આવતા મજુરો સોમવારે સાંજે જુની દિવાલ તોડતા હતા, તેવામાં અકસ્માતે બાજુમાં આવેલા મોહનભાઈ શંકરભાઈ પટેલના મકાનની દિવાલ ધસી પડતાં, આ દિવાલ નીચે ચાર જેટલા મજુર દબાઈ ગયા હતા.
દરમિયાન આ ઘટનાની જાણકારી મળતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ ભારે જહેમત બાદ ચારેય મજુરને દિવાલ નીચેથી બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા.
જેમાં સારવાર મળે તે પહેલાં જ ગંભીર ઈજાગ્રસ્ત જીગરભાઈ નામના ૨૦ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.આ ઘટના અંગે લક્ષ્મણગઢના વિનોદભાઈ અમૃતભાઈ ચેનવાની જાહેરાત આધારે પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી છે.