જસદણમાં ભારે ઉત્સાહ વચ્ચે ૭૫% મતદાન

844

જસદણમાં જાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હોય એ પ્રકારે ભારે ઉત્તેજના અને ઉત્સાહ વચ્ચે જસદણ વિધાનસભાની આજે પેટાચૂંટણી યોજાઇ હતી. વહેલી સવારથી સ્થાનિક મતદારો જુદા જુદા મતદાનમથકો પર કાતિલ સુસવાટા મારતી ઠંડી હોવાછતાં મતદાન માટે ઉમટયા હતા. બપોર બાદ મતદાનની પ્રક્રિયાએ વેગ પકડયો હતો અને સાંજ સુધીમાં આશરે ૭૫ ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. મતદાન મથકો પર સમગ્ર દિવસ દરમ્યાન લાંબી લાઇનો જોવા મળી હતી. એકાદ-બે ઘર્ષણના બનાવોને બાદ કરતાં સમગ્ર જસદણમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આજની જસદણની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા અને બાદમાં આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તો, ભાજપના કેબિનેટ મિનિસ્ટર એવા ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાની માતાના આશીર્વાદ લઇને વીંછીયા ખાતે અજમેરા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું. જસદણના હાઇવોલ્ટેજ ડ્રામા સમાન ચૂંટણીને લઇ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની લોખંડી સુરક્ષા જસદણ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં તૈનાત કરાઇ હતી. ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન અને ઇજ્જતનો સવાલ બનેલી જસદણની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. આ સાથે જ ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયાના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા. હવે તા.૨૩મી ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.  જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ આજે વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે આઠના ટકોરે મતદાનનો પ્રારંભ થયો હતો.

જસદણના ૨૬૨ જેટલા મતદાન મથકો પર મતદારો લોકશાહીનો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા લાઇનમાં લાગ્યા હતા. લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ જાપ્તા હેઠળ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરી પિતાને કહ્યું હતું કે, આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. બાવળિયાએ ૧૦૫ વર્ષની પોતાની માતા મણિબેનના આશીર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું. તો, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દરમ્યાન વીંછિયાના દડલી ગામે બોગસ મતદાન થયાનું જાણવા મળ્યું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દડવા અને તેની આજુબાજુના ગામમાં મતદારોને ધમકાવીને ભાજપ તરફી મતદાન કરાવતા હોવાની કોંગ્રેસ જિલ્લા પોલીસ વડાને કરી છે. તો, ભાજપે પણ કંઇક આવા જ પ્રકારના આક્ષેપો કરતી ફરિયાદ કોંગ્રેસ વિરૂધ્ધ કરી હતી. આમ, આજની ચૂંટણીના મતદાન વચ્ચે ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને ફરિયાદોને લઇ સ્થાનિક રાજકારણ જોરદાર રીતે ગરમાયું હતું. જસદણનો આજનો જંગ ગુરૂ કુંવરજી બાવળિયા અને તેમના ચેલા એવા અવસર નાકીયા વચ્ચે ખેલાયો હતો. જસદણમાં આજે આઠ ઉમેદવારો મેદાનમાં હતા, જસદણ પંથકના ના ૧૦૪ ગામો અને એક શહેરમાં મળી કુલ ૨૬૨ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જેમાં ૧૨૬ જેટલા સંવેદનશીલ મતદાનમથકો પર વધારાની સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઇ હતી. જસદણની ચૂંટણીને લઇ ત્રણ સ્ટેટીક અને ત્રણ ફલાઇંગ સ્કવોડ અને ૩૭ માઇક્રો ઓર્બ્ઝર્વરને જવાબદારી સોંપાઇ હતી. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ઉપરાંત કેન્દ્રીય લશ્કરી દળની છ ટુકડીઓ પણ સુરક્ષામાં તૈનાત કરાઇ હતી.

કુંવરજી બાવળીયાએ કુળદેવીના આર્શીવાદ લીધા, અવસર નાકિયા છકડો ચલાવીને બૂથ પર આવ્યા

જસદણની ચૂંટણીમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં હતો તેવો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસ અને ભાજપ માટે આજની આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ જેવી બની ગઈ છે. ભાજપ જો આ ઈલેક્શન જીતી જશે તો તે ૧૦૦ બેઠક જીત્યાનો જાદુઈ આંકડો મેળવી શકશે. તો બીજી તરફ, કોંગ્રેસ માટે કુંવરજીના પક્ષપલટા બાદ આ સીટ જીતવી બહુ જ મહત્વની બની ગઈ છે. ત્યારે જસદણના બંને ઉમેદવારો પણ સવારથી જ એક તરફ ઉત્સાહ, તો બીજી તરફ મૂંઝવણમાં જોવા મળ્યા હતા. બંને પૂજાપાઠ કરીને મતદાન કરવા નીકળ્યા હતા. આઠ વાગ્યે મતદાન શરૂ થયા બાદ લગભગ અડધા કલાકમાં જ કુંવરજી અને અવસર નાકિયાએ મતદાન કર્યું હતું. જસદણનો જંગ ખરાખરીનો જંગ છે ત્યારે ભાજપ-કોગ્રેસના બંને ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા હતો. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વીંછિયાના મતદાન મથકે મતદાન કર્યુ હતુ.  તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ હાંસલપુરના મતદાન મથક પર મતદાન કર્યુ હતું.

Previous article૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય મહિલા અધિવેશનના સમાપનમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે
Next articleઉત્તર ભારતમાં કાતિલ ઠંડી રહી : જનજીવન પર અસર