ભાજપનો ઘમંડ ઉતારવાનો સમય આવી ગયો છે : સચિન પાયલોટ

936
guj30112017-4.jpg

કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલોટ આજે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા એ દરમ્યાન તેમણે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. સચિન પાયલોટે જણાવ્યું હતું. ભાજપના નેતાઓ અને મંત્રીઓના નિવેદનો જોતાં સ્પષ્ટ થઇ જાય છે કે, ભાજપની છાવણીમાં જોરદાર ગભરાહટ અને હતાશાનો માહોલ છવાઇ ગયો છે અને એ હોય એ સ્વાભાવિક છે કારણ કે, છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપે જે કર્યું છે તેના બચાવમાં જનતા દ્વારા પૂછાઇ રહેલા પ્રશ્નોનો તેમની પાસે કોઇ જવાબ નથી. ભાજપે ૨૨ વર્ષના શાસનમાં જે કંઇ કર્યું છે તે મુદ્દે ખરેખર શ્વેતપત્ર જારી કરે તેવી માંગણી પણ કોંગ્રેસના આ યુવા નેતાએ કરી હતી. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વખતે ભાજપનો ઘમંડ અને અહંકાર ઉતારવા માટે ગુજરાતની જનતા એક થઇ છે. કોંગ્રેસ કયારેય તેના સિધ્ધાંતો અને આદર્શો સાથે સમાધાન કર્યું નથી, જે ભાજપ કરી રહી છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બનશે. તા.૧૮મી ડિસેમ્બરના પરિણામો ઘણા ચોંકાવનારા રહેશે અને ધાર્યા કરતાં વધુ ટકા મતદાન કોંગ્રેસની તરફેણમાં રહેશે. આ વખતે તાનાશાહી નહી હોય પરંતુ જનતાની પોતાની સરકાર હશે. કોંગ્રેસ ઉત્કૃષ્ટ ગવર્નન્સ મોડેલ ગુજરાતમાં આપશે. આ વખતે કોંગ્રેસની આંધી આવશે અને ભાજપની છત્રી ઉડી જશે. કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટે ભાજપ અને મોદી સરકાર પર પ્રહાર કરતાં ઉમેર્યું હતું કે, ભાજપ સ્થાનિક મુદ્દાઓની ભટકીને લોકોની લાગણી સાથે જોડાયેલા મુદ્દાઓ ચગાવી મતોનું રાજકારણ રમી રહી છે નહી તો, હાફિઝ સઇદને લઇને વિવાદીત નિવેદનો કે ટિપ્પણી કરવાની કયાં જરૂર જ છે. હાફિઝ સઇદ અને ગુજરાતની ચૂંટણીને શું લેવાદેવા? મોદી સરકારે સંસદનું સત્ર સમયસર ના બોલાવ્યું તેની પાછળનું કારણ એ છે કે, ભાજપ જીએસટી, રાફેલ ડીલ સહિતના વિવાદીત સવાલોના જવાબો આપવા પડત અને તે જવાબો આપવામાંથી બચવા માટે ભાજપનો 
આ નિષ્ફળ પ્રયાસ છે. મોદી સરકારે ૫૦ લાખ ઘરો આપવાની વાત કરી હતી, હજુ ચાર લાખ મકાનો પણ બન્યા નથી, નોટબંધી પછી આંતકવાદ ખતમ થવાની વાત કરી હતી પરંતુ આંતકવાદની ઘટનાઓમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. મોદી સરકાર અને ભાજપે જનતાને કરેલા વાયદાઓ નહી પાળીને તેમને છેતર્યા છે. જીએસટીના મુદ્દે મોદી સરકારે તેમની ભૂલ સ્વીકારી જનતાની માફી માંગવી જોઇએ અને નવુ સરળ જીએસટી અમલમાં લાવવું જોઇએ.
પાટીદારોના અનામત મુદ્દે એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં કોંગ્રેસના આ યુવાનેતાએ જણાવ્યું હતું કે, અનામતના મુદ્દે કોંગ્રેસ નિશંકપણે સુખદ ઉકેલ લાવશે કારણ કે, ઇચ્છાશકિત અને સંકલ્પશકિત હોય તો, બધુ શકય છે. અમે બંધારણની મર્યાદામાં રહીને અનામતનો પ્રશ્ન હલ કરીશું. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઇ કટાક્ષ કર્યો હતો કે, જનતા જાણી ગઇ છે કે, રૂપાણી કાગળ પરના મુખ્યમંત્રી છે અને શાસન અમિત શાહના ઇશારે ચાલે છે. ખરો પાવર અને કંટ્રોલ બીજે છે. આમ, જે નેતૃત્વમાં જવાબદારી કે પારદર્શકતા જ ના હોય તેવા નેતૃત્વમાં ગુજરાતની જનતા વિશ્વાસ કેવી રીતે મૂકે ? રાહુલના મંદિર દર્શનના મુદ્દે ભાજપના નેતાઓ દ્વારા થતી ટિપ્પણીઓ મુદ્દે સચિન પાયલોટે જવાબ આપ્યો કે, રાહુલને ગુજરાતમાં મળી રહેલા પ્રચંડ સમર્થન અને પ્રતિસાદથી ભાજપ ડરી ગઇ છે. એટલે હવે રાહુલ કંઇ પણ કરે તો ભાજપને મરચા લાગે છે.

Previous articleગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોલીસ કર્મચારીનું મતદાન શરૂ
Next articleભાજપનો ઘમંડ ઉતારવાનો સમય આવી ગયો છે : સચિન પાયલોટ