૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના મામલે દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારે સરન્ડર કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં ત્રીસ દિવસનો સમય માંગ્યો છે. આ મામલાની સુનાવણી શુક્રવારે થવાની સંભાવના છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુકેલા સજ્જન કુમારને આ સપ્તાહે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેમને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો અદાલતે આદેશ આપ્યો હતો.
સજ્જન કુમારને આજીવન કેદની સાથે પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પહેલી નવેમ્બર-૧૯૮૪ના રોજ દિલ્હી છાવણીના રાજનગર વિસ્તારમાં એક પરિવારના પાંચ સદસ્યોની હત્યાના કેસના મામલામાં સજ્જન કુમાર સહીત પાંચ શખ્સોને સજા કરવામાં આવી છે.
૩૪ વર્ષ બાદ શીખ વિરોધી રમખાણના એક મામલામાં દિલ્હી હાઈકોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠે નીચલી અદાલતના ચુકાદાને પલટાવતા સજ્જન કુમારને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી હતી.