મમતા બેનર્જીને ફટકો : ભાજપની ગણતંત્ર બચાવો રેલીને લીલીઝંડી

630

ભારતીય જનતા પાર્ટીને આજે પશ્ચિમ બંગાળમાં મોટી રાહત મળી ગઈ હતી. કારણ કે, ભાજપની ગણતંત્ર બચાવો રથયાત્રાને કોલકાતા હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી હતી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ભાજપની આ સૂચિત રથયાત્રાને લઇને જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને સાંપ્રદાયિક માહોલ ખરાબ થઇ શકે છે તેવી દલીલ કરી હતી પરંતુ પશ્ચિમ બંગાળ સરકારની દલીલને આજે કોલકાતા હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સાંપ્રદાયિક શાંતિમાં ખલેલ પહોંચાડવાની આશંકા દર્શાવનાર ગુપ્તચર રિપોર્ટ રાજ્યમાં ભાજપની રથયાત્રા અને રેલીને મંજુરી નહીં આપવા સાથે કોઇ સંબંધ નથી. ગુપ્તચર રિપોર્ટ રાજ્યમાં ભાજપની રથયાત્રા રેલીને મંજુરી આપવાથી ઇન્કાર કરવાનું અગાઉ કારણ રહ્યું હતું. આના પર ભાજપના વકીલ એસકે કપૂરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, આના માટે મમતા બેનર્જી સરકાર તરફથી મંજુરી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. મમતા બેનર્જી સરકારે પહેલાથી જ આ નિર્ણય કરીને રાખ્યો હતો. આના માટે કોઇ આધાર ન હતો. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજોના સમયમાં મહાત્મા ગાંધીની દાંડી માર્ચ યોજવામાં આવી હતી.

તે વખતે પણ તેમને કોઇએ રોક્યા ન હતા પરંતુ હવે સરકાર કહે છે કે તે રાજકીય રેલી કાઢવાની મંજુરી આપશે નહીં. ભાજપે પોતાની અરજી મારફતે રેલીને મંજુરી આપવાના ઇન્કારને લઇને મમતા બેનર્જી સરકાર સામે જોરદાર પડકાર ફેંક્યો હતો. તૃણમુલ કોંગ્રેસ સરકારના પગલાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ભાજપ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતાના દાવાના સમર્થનમાં કોઇપણ નક્કર બાબતો રજૂ કરી ન હતી. માત્ર રેલી યોજવાથી રાજકીય પક્ષને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જ્યારે બંધારણ આ પ્રકારની રેલી અને કાર્યક્રમ કરવાના અધિકાર આપે છે. કોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવી હતી. સીલબંધ રિપોર્ટ પણ સોંપવામાં આવ્યા હતા. ભાજપની વિગતમાં યાત્રાને પ્રકાશિત કરવાની વિગત પણ દર્શાવવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, અગાઉ મમતા બેનર્જી સરકારે રેલી યોજવાનો ઇન્કાર કર્યો હતો. ગણતંત્ર બચાવો યાત્રાની ત્રણ તારીખો પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. જે પૈકી ૨૨મી ડિસેમ્બરના દિવસે કુચબિહારથી, ૨૪મી ડિસેમ્બરના દિવસે દક્ષિણ ચોવીસ પરગના જિલ્લાના કાકદ્વિપથી અને ૨૬મી ડિસેમ્બર વીરભૂમિ જિલ્લાના તારાપીઠથી રેલી યોજવાની હતી. મમતા બેનર્જી સરકારે શનિવારના દિવસે ભાજપની રથયાત્રાને મંજુરી આપવાનો ઇન્કાર કરીદીધો હતો અને કહ્યું હતું કે, આનાથી સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ જશે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આમને સામને છે. ભારતીય જનતા પાર્ટીએ હવે પશ્ચિમ બંગાળ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. બંગાળમાં મમતા બેનર્જીના શાસનને ખતમ કરવા માટે ભાજપે પુરી તાકાત લગાવી છે. આના ભાગરુપે અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓ લાગેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ઉત્તર ભારતમાં જે સીટો ઓછી પડનાર છે તેની ભરપાઈ પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાંથી કરવાની તૈયારી દર્શાવી છે. આવી સ્થિતિમાં રેલીને મંજુરી મળતા ભાજપને રાહત થઈ છે.

Previous articleશીખ વિરોધી રમખાણઃ આરોપી સજ્જન કુમારે સરેન્ડર કરવા ૩૦ દિવસનો સમય માંગ્યો
Next articleસરકારી બેંકોમાં ૮૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવા માટેની હિલચાલ