૨૨ વર્ષના શાસનમાં મોદીએ પ્રજાના બદલે ઉદ્યોગપતિના હિતમાં કામ કર્યુ : રાહુલ ગાંધી

847
guj30112017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બપોરે સોમનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ ભોળાનાથના દર્શન કરી સૌરાષ્ટ્રમાં તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. વિશાળ જનસભાને સંબોધન દરમ્યાન ફરી એકવાર રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષોથી ભાજપે આપખુદશાહી ચલાવી છે અને તમને પણ આદત પડી ગઇ છે, મોદીજી, અમિત શાહજી અને રૂપાણીજી આવીને તેમના મનની વાત તમને સંભળાવી જાય છે. તમારા વીજળી, પાણી અને જમીન મોદીજી લઇ જાય છે અને તેમના મનની વાત સંભળાવી જાય છે. પરંતુ તેઓ કદી તમારા મનની વાત સાંભળતા નથી. કોંગ્રેસની સરકાર આવશે તો, તમારા મનની વાત ગુજરાતની જનતાની વાત સાંભળશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, મોદીએ હંમેશા બધુ બધા પાસેથી લીધું જ છે. ગરીબો પાસેથી પણ ગબ્બરસિંહ ટેક્સ વસૂલે છે. કોંગ્રેસે દેશભરમાં મનરેગા યોજના લાગુ કરી રૂ.૩૫ હજાર કરોડ ખર્ચ્યા હતા, તેટલી રકમ મોદીજીએ માત્ર એક જ કંપની ટાટા નેનો માટે ફાળવી દીધી..તમે વિચારો..આ બહુ વિચારવા જેવી વાત છે. અમારી મનરેગા
 યોજના જે લોકોને રોજગારી આપતી હતી તે પણ મોદીજીએ બંધ કરાવી દીધી. આમ મોદીએ લોકો પાસેથી રોજગારી પણ છીનવી લીધી છે. દેશમાં અમીર ઉદ્યોગપતિઓના દેવા-લોન માફ કરી દેવાય છે પરંતુ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી. ખબર નથી પણ કેમ અહીંના ખેડૂતોના દેવા માફ કરવામાં નથી આવતા અને ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે?તેમણે ખેડૂતોના પાકના ટેકાના ભાવ અને પાક વીમા યોજના મુદ્દે પણ મોદી સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ અને યુપીએના શાસનમાં કપાસ, મગફળી સહિતના પાકોના ટેકાના ભાવ ખેડૂતોને વધારે ચૂકવાતા હતા, જેની સામે આજે ભાજપના શાસનમાં ઓછા મળે છે. મોદી સરકાર ફસલ વીમા યોજનાની વાતો કરે છે પરંતુ ખેડૂતોને પાક વીમાની પૂરતી રકમ ચૂકવાતી નથી. નોટબંધી અને જીએસટીને પગલે દેશમાં લાખો લોકો બેકાર અને બેરોજગાર થઇ ગયા. પંદર લાખ રૂપિયા દરેકના ખાતામાં નાંખવાની વાત કરી હતી તે પણ હજુ પૂરી થઇ નથી. દેશમાં આજે લાખો બેરોજગાર યુવકો રોજગારી માટે તરસી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સેવા કથળી ચૂકી છે અને હાલત કફોડી બની છે. પાંચ-દસ લાખ રૂપિયા ના હોય તો સંતાનોને કોલેજમાં ભણવા મોકલી શકાતા નથી અને પૈસા વગર આરોગ્યની સારવાર શકય બનતી નથી આ છે મોદીજીના ગુજરાતનું વિકાસ મોડેલ. દરમિયાન  રાહુલ ગાંધીએ ભારતીય વાયુ સેનામાં રાફેલ હવાઇજહાજ ડીલ મુદ્દે વડાપ્રધાન મોદી પર સીધા પ્રહાર કરી તેમને ત્રણ સવાલ પૂછયા હતા કે, શું રાફેલ ડીલમાં હવાઇજહાજનો કોન્ટ્રાકટ સરકારી કંપનીમાંથી બદલી ખાનગી કંપનીને કેમ અપાયો, આ ડીલનો કોન્ટ્રાકટ બદલવા માટે કેબીનેટ કે ઓથોરીટીની મંજૂરી લીધી છે અને જે ખાનગી ઉદ્યોગપતિને આ રાફેલ હવાઇજહાજનો કોન્ટ્રાકટ અપાયો છે તે તમારા મિત્ર છે કે નહી..મોદીજી આ ત્રણ સવાલોના જવાબ આપે. રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિરમાં પૂજા કરી હતી અને સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો હતો. તેમણે સોમનાથ મહાદેવની પૂજા કરી ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. નોંધનીય વાત એ રહી હતી કે, સોમનાથ મંદિર ટ્રસ્ટના નિયમ મુજબ, રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલે મંદિરના રજિસ્ટરમાં બિન હિંદુ તરીકેની એન્ટ્રી કરી નિયમનું પાલન પણ કર્યું હતું. રાહુલ ગાંધી આવતીકાલે પણ ઝંઝાવતી પ્રચાર જારી રાખશે.

મોદી અમિતાભ બચ્ચન કરતા પણ સારી એકટીંગ કરે છે
રાહુલ ગાંધીએ પોતાની જનસભા દરમ્યાન એક તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કરતાં પણ સારા એકટર ગણાવ્યા હતા. રાહુલે હળવો કટાક્ષ કરતાં જણાવ્યું કે, મોદી ગમે ત્યારે આંખમાંથી આંસુ પાડી ઇમોશનલ થઇ જાય છે.

રાહુલ સોમનાથને નમ્યાં
રાહુલ ગાંધી આજે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યાં છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને સોમનાથ પહોંચ્યા હતાં. અહીંયા રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.

સોમનાથ : રાહુલનું નામ બિન હિન્દુ તરીકે નોંધાયું

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી અનેક મંદિરોમાં દર્શન કરી ચુક્યા છે. રાહુલ ગાંધી આજે સોંમનાથ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેમનું નામ મંદિરના એન્ટ્રી રજિસ્ટરમાં 
લખવાને લઇને વિવાદ છેડાઈ ગયો છે. સોમનાથ મંદિરમાં બિનહિન્દુ શ્રદ્ધાળુઓને દર્શન કરતા પહેલા આ રજિસ્ટરમાં પોતાનું નામ નોંધાવવાની ફરજ પડે છે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજકીય સલાહકાર અહેમદ પટેલ આજે સોમનાથ મંદિર પહોેંચ્યા હતા. મંદિર સંકુલમાં બોર્ડ મુકવામાં આવ્યુ ંહતું જેમાં લખવામાં આવ્યું હતું કે, સોમનાથ હિન્દુ મંદિર છે અને બિનહિન્દુને મંજુરી લીધા બાદ જ પ્રવેશ અને દર્શનની તક મળે છે. આને લઇને રજિસ્ટરમાં બિનહિન્દુઓને નામ અને માહિતી નોંધાવવી પડે છે. મિડિયા કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીએ એન્ટ્રી રજિસ્ટરમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલના નામ નોંધાવ્યા હતા. રાહુલને બિનહિન્દુ તરીકે નોંધણી કેમ કરાવી પડી તેને લઇને વિવાદ છેડાયો છે. મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ નથી પરંતુ આના નિયમો જુદા છે.

Previous articleભાજપનો ઘમંડ ઉતારવાનો સમય આવી ગયો છે : સચિન પાયલોટ
Next articleકોંગ્રેસર્ OBC મતો માટે જાતિવાદનું ઝેર ફેલાવે છે : મોદી