શહેર પોલીસ પર હુમલાના બનાવો એકાએક વધી ગયા છે. રાત-દિવસ લોકોની સુરક્ષા કરતી પોલીસને પણ હવે સુરક્ષાની જરૂરિયાત ઊભી થઇ છે. પોલીસનો ખોફ હવે સમાન્ય નાગરિક કે ગુનેગારો પર રહ્યો જ નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ પર હુમલા થવાની અનેક ઘટનાઓ ઘટી રહી છે. વિધાનસભાના ઇલેકશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં ધમધમતા દારૂ-જુગારના અડ્ડા પોલીસ બંધ કરાવી રહી છે.
ગઇ કાલે મોડી રાતે મેઘાણીનગર વિસ્તારમાં જુગારનો અડ્ડો બંધ કરાવવા માટે ગયેલી પોલીસ પર જુગારીઓએ હુમલો કરીને તેમના બાઇકની તોડફોડ કરતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને માથામાં બેટ વાગતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ચુંવાળનગર વિભાગ-૨ની દીવાલની બહારના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મેઘાણીનગર પોલીસને મળી હતી. બાતમીના આધારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઇ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ, પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ અને લોકરક્ષક દળનો જવાન કિરણસિંહ પરમાર જુગારને બંધ કરાવવા માટે ચુંવાળનગરમાં ગયા હતા.
જુગારની રેડ દરમિયાન પોલીસ કર્મચારી દિલીપભાઇ અને આર્મીમાં નોકરી કરતા સાગર ભરવાડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં સાગરે દિલીપભાઇને ગાળો આપતાં જણાવ્યું કે હું આર્મીમાં નોકરી કરું છું. તારી અહીંયાં આવવાની હિંમત કેમ થઇ.
બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સાગરે દિલીપભાઇ પર અચાનક હુમલો કરીને જમીન પર પટકી દીધા હતા અને ગળદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. દિલીપભાઇને છોડાવવા માટે કિરણસિંહ વચ્ચે પડ્યો હતો તે સમયે પીન્ટુ નાડિયાએ લાકડાનું બેટ કિરણસિંહના માથામાં મારી દીધું હતું.