ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર ડેનિસ લિલીએ ભારતીય ટીમના ખેલાડી જસપ્રીત બુમરાહના જોરદાર વખાણ કર્યા છે અને કહ્યું કે ભારતનો આ બોલર સામાન્ય રીતે કરવામાં આવતી ફાસ્ટ બોલિંગની સરખામણીએ હટકે છે. બુમરાહ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલ ભારતીય ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે એને શાનદાર પ્રદર્શન કર્યું.
લિલીએ કહ્યું, ’મને લાગે છે કે બુમરાહ રોચક બોલર છે. એ ખૂબ જ શોર્ટ રન અપ સાથે આવે છે. એ પહેલા ચાલે છે અને પછી શોર્ટ રન અપથી બોલ ફેંકે છે. એના હાથ સીધા રહે છે. એની બોલિંગ કોઇ પણ પુસ્તકમાં શિખવાડવામાં આવે નહીં. એટલા માટે એ મને મારા સમયના બીજા એક બોલરની યાદ અપાવે છે, જે આપણા બધાથી અલગ હતા એ છે જેઉ થોમસન.’
લિલીએ કહ્યું કે, ’જો કે થોમસનની જેમ ફાસ્ટ નથી પરંતુ એમનાથી થોડો મળતો આવે છે આ બંને ફાસ્ટ બોલિંગની સામાન્ય પરિભાષાથી હટકે રમે છે.’ બુમરાહે પહેલી બે ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી વધારે ૧૧ વિકેટ લીધી છે. બીજી ટેસ્ટમાં ભારતના ચાર ફાસ્ટ બોલરોનું સાથે ઊતરવાના નિર્ણય પર લિલીએ કહ્યું કે ભારતમાંથી હાલ સારા બોલર સામે આવી રહ્યા છે.