માણસામાં ડીપીમાં કરંટ લાગતા ગાયનું મોત થયું છે, ખાવાની શોધમાં ડીપી પાસે ગયેલી ગાયનું મોત થતા વીજ કંપની દ્વારા થોડા દિવસ પહેલાં અહીં ખસેડાયેલા ડીપીની કામગીરીમાં બેદરકારી રખાઈ હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગાયની જગ્યાએ કોઈ વ્યક્તિનો પણ જીવ જઈ શકતો હતો એટલે આ અંગે જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ.
માણસા શહેરના માલણ રોડ વિસ્તાર થઈ પાજરાપોળ તરફ જતા રસ્તા પર નગરપાલિકા દ્વારા બનાવાયેલ જાહેર શૌચાલયના આગળના ભાગે તે વિસ્તારના વીજપુરવઠા માટે ડીપી લગાવવામાં આવેલ હતું, તેણે થોડા દિવસ અગાઉ જ ખસેડી સામેની બાજુએ લગાવવામાં આવ્યું હતું. આ ડીપી પાસે ગુરૂવારે બપોરે એક ગાય કઈક ખાવા માટે ગઈ હતી ત્યારે તે ડીપીમાંથી કોઈ કારણસર કરંટ લાગ્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ગાયનું મોત થયું હતું. અહીં ડીપી તો લગાવાયેલું છે પરંતુ તેની આસપાસ જાળી નહોતી લગાવાઈ છે. આ બાબતે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આટલું નીચું અને ખુલ્લું ડીપી લોકો માટે જોખમકારક છે. જે રીતે ગાયનું કરંટ લાગતા મોત નિપજયુ તેમ અહીં રમતા બાળકો સાથે પણ આવું બની શકે છે.