ફિશરીઝ કૌભાંડ મામલે દિલીપ સંઘાણી અને પુરષોત્તમ સોલંકી બંને મંત્રીઓને હાઈકોર્ટે ૨ અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. કરોડોનાં તળાવ ફિશરીઝ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપતા બંન્ને કોંન્ટ્રાક્ટરો પર કેસ ચાલી રહ્યો છે. જેને લઈને ગાંધીનગર કોર્ટમાં કરેલી કાર્યવાહી રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને તાત્કાલીક ફગાવીને હાઈકોર્ટે બંન્ને મંત્રીઓને ૨ અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે.
૪૦૦ કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીએ તેમની સામે થયેલા આક્ષેપો અંતર્ગત થઈ રહેલી કાર્યવાહીને રદ્દ કરવાની માંગ હાઈકૉર્ટનાં જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ફગાવી હતી. આ બંને સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ એન્ટી-કરપ્શન કૉર્ટે સમન્સ પાઠવ્યા છે, જેને રદ્દ કરવવા માટે હાઈકૉર્ટમાં માંગણી કરી હતી.
આ કેસ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ એન્ટી-કરપ્શન કૉર્ટે પરષોત્તમ સોલંકી સામે ૪૦૦ કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રીપોર્ટનાં આધારે દિલીપ સંઘાણી અને પરષોત્તમ સોલંકીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૫ અન્ય અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
પૂર્વ મંત્રી પરષોતમ સોલંકી
એસીબીએ તેમની તપાસમાં સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે. માછીમારોને અપાતો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ ૨૦૦૮માં પૂરો થયો. ૨૦૦૯માં હરાજી કરી આ કોન્ટ્રક્ટ પુનઃ આપવાના હતા પરંતુ પરષોતમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા ૧૨ લોકોને અને પછી ૩૮ લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા. હરાજી વિના કોન્ટ્રક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની રહે છે. આ મંજૂરી સોલંકીએ મેળવી ન હતી.
પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી
કૌભાંડ થયું ત્યારે દિલીપ સંઘાણી કેબિનેટ મંત્રી હતી. રાજ્યકક્ષાના મંત્રીએ નિયમનો ભંગ કરી કોન્ટ્રાક્ટ ઈસ્યુ કર્યો ત્યારે તેના સુપરવિઝનની જવાબદારી દિલીપ સંઘાણીની હતી.પરંતુ તેમણે આંખ આડા કાન કર્યા. ઉપરાંત જે પ્રકારે હરાજી વગર કોન્ટ્રક્ટ અપાયો તેમાં કેબિનેટની મંજૂરી આવશ્યક હતી છતાં તેના મુદ્દે દિલીપ સંઘાણીએ સમગ્ર કૌભાંડમા મદદગારી કરી હતી.