ઇન્ડિગો સીવેઝએ પીએમઓને રો-પેક્સ ફેરીની સર્વિસ બંધ કરવાનું અલ્ટિમેટમ આપ્યું

550

વારંવાર ડ્રેજીંગ અંગેની ફરિયાદો કરવામાં આવ્યા છતા સરકારી તંત્ર ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના બહેરા કાને અથડાઇ રહી નહીં હોવાથી ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ઇન્ડિગો સીવેઝ દ્વારા વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી ગુજરાત અને જીએમબીને પત્ર લખી ફેરી સર્વિસ બંધ કરવાનું અલ્ટિમેટમ આપી દીધુ છે.

ફેરી સર્વિસના કોન્ટ્રાક્ટર ઇન્ડીગો સી-વેઝ દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, ૫ મીટરના ડ્રાફ્ટ (પાણીની ઉંડાઇ)નો વાયદો કરવામાં આવ્યો હતો, અને શિપ ચલાવવા માટે તે આવશ્યક પણ હોવા છતા ૨.૫ થી ૩ મીટર પાણી માંડ મળે છે, તેથી જહાજને નુકસાન થવાની શક્યતા છે. ૨૧મી નવેમ્બરે જહાજ ક્ષતિગ્રસ્ત થવાનું મુખ્ય કારણ ડ્રેજીંગ હતુ. ઉપરાંત ઘોઘા અને દહેજ ખાતેના ૩૦૦ મીટરના ટર્નિંગ સર્કલમાં પણ ૦ સાઉન્ડીંગ આવી રહ્યુ છે. તેથી જહાજની સલામતી સામે પણ જોખમ ઉભુ થઇ શકે છે. જીએમબી દ્વારા રો-પેક્સ ફેરી સર્વિસ ભરતીના સમયે જ ચલાવવાનું જણાવવામાં આવ્યુ હતું.

તેની સામે ઇન્ડીગો સી-વેઝ દ્વારા જણાવાયુ છે કે, ભરતીનો સમય વારંવાર બદલાતો રહે છે તેના મુજબ મુસાફરોને આકર્ષિત કરવા અસંભવ કાર્ય છે. ૧૦ માસથી ચેનલની બાજુમાં માટીના ડુંગરને હટાવવા જાણ છતાં હટાવાયો નથી. તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે. ઘોઘા ખાતે ૫૨૦૦ મીટર લાંબી, ૧૦૦ મીટર પહોળી અને હયાત પાણીના લેવલથી ૬ મીટર ઉંડી ચેનલ બનાવવાની હતી. તેવી જ રીતે દહેજ ખાતે ૧૦૦૦ મીટર લાંબી, ૧૦૦ મીટર પહોળી અને ૬ મીટર ઉંડી ચેનલ બનાવવાની હતી અને તેનો કોન્ટ્રાક્ટ ધરતી ડ્રેજીંગને ૧૯૨ કરોડમાં આપવામાં આવ્યો હતો અને ચેનલ મેઇનટેનન્સનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ અદાણી ડ્રેજીંગને ૩૯ કરોડમાં આપવામાં આવ્યો હતો, છતા ચેનલની ઉંડાઇ કરાર મુજબ કરવામાં આવી નથી. અને ચેનલનું નિયમીત ડ્રેજીંગ પણ કરાવવામાં આવી રહ્યું નથી.

Previous articleભાજપા મહિલા અધિવેશનથી રેશમા પટેલની બાદબાકી થઇ
Next articleનલિયા સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ શહેર