કેવડિયામાં તમામ રાજ્યોના DGની કોન્ફરન્સ

551

નર્મદાના કેવડિયા ખાતે સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતાં, જ્યાં તેમનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમણે પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ફ્‌લાવર ઓફ વેલીની મુલાકાત લીધી હતી.

મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે યોજાયેલી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પરેડ નિહાળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને ગૃહરાજ્ય પ્રધાન હંસરાજ આહીર પણ હાજર રહ્યાં હતાં. વડા પ્રધાને પરેડ બાદ ડીજી કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

રર ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ કેવડિયા કોલીમાં આવેલ ટેન્ટ સિટીમાં યોજવામાં આવી છે. આજે આ કોન્ફરન્સનો બીજો દિવસ છે, જેમાં પીએમ મોદી સંબોધન કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સમાં ડીજી, એડીજીપી અને એજીપી સહિતના અધિકારીઓ હાજર છે. સુરક્ષાવ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આતંકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર ચર્ચા કરવામાં આવશે. દેશની સુરક્ષા માટેના પડકારો માટે મહત્ત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મૂકવા માટે દિશાસૂચન કરવામાં આવશે. આવતી કાલે ત્રીજા દિવસે પણ વડાપ્રધાન સવારે ૯ વાગ્યાથી સાંજે ૩.૩૦ સુધી અહીં હાજરી આપશે. તો બીજી તરફ ગઇકાલે કેવડીયાથી ગરુડેશ્વર પદયાત્રા લઇ નીકળેલા કેવડિયા, કોઠી, વાઘડીયા, નવાગામ, લીમડી, ગોટા છ ગામના અસરગ્રસ્તો દ્વારા ત્રણ દિવસ ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન આપ્યું હતું.

જેને વેપારીઓએ ટેકો આપી આજે સજ્જડ બંધ પાળ્યો હતો.

કેવડિયા કોલોની અને ગરુડેશ્વરમાં વહેલી સવારથી જ ચાની લારીથી લઇ દુકાનો, પાનના ગલ્લા બંધ રહ્યાં હતાં. સ્થાનિક વેપારીઓએ અસરગ્રસ્તોના બંધના એલાનને સમર્થન આપી દુકાનો બંધ રાખી હતી. અસરગ્રસ્તોની માગણી છે કે, તેમની જે જમીન પડતર રહી છે. તે જમીન તેમને પરત આપવામાં આવે, તેમજ જે જમીન સરકારે ૧૯૬૧-૬૨માં લીધી હતી. જેમાં હવે તેઓ અલગ અલગ રાજ્યના ૩૩ ભવનો બનાવવાના છે તે ન બનાવવામાં આવે અને તેમને જમીનો પાછી આપવામાં આવે તેવી માગણી ગ્રામજનો કરી રહ્યાં છે. ત્યારે કેવડિયા કોલોનીમાં ત્રણ દિવસ માટે ઓલ ઇન્ડિયા ડીજી  કોન્ફરન્સ યોજાઇ રહી છે ત્યારે  આવી રહ્યાં છે. ત્યારે ગ્રામજનોએ પોતાનો વિરોધ પ્રદર્શીત કરવા માટે ત્રણ દિવસ બંધનું એલાન આપ્યું છે. જે પ્રથમ દિવસે સફળ રહ્યુ હતું.

Previous articleગાહેડ-ક્રેડાઇ ગુજરાત રીયલ એસ્ટેટ પ્રોપર્ટી શૉનો પ્રારંભ, શ્રેષ્ઠ પ્રોપર્ટી વિકલ્પો દર્શાવ્યાં
Next articleશાંતાક્લોઝ પોષાકનું બજારમાં વેચાણ