સોહરાબુદ્દીન કેસ : તમામ ૨૨ આરોપી આખરે નિર્દોષ છુટ્યા

620

સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર અને દેશની રાજનીતિમાં પણ ભારે ચર્ચા જગાવનાર સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં આજે મુંબઇની ખાસ સીબીઆઇ અદાલતે તેનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને તમામ ૨૨ પોલીસ અધિકારીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદાની સાથે આરોપી તરીકે રહેલા પોલીસ અધિકારીઓમાં રાહતનુ મોજુ ફરી વળ્યુ હતુ. આજે ચુકાદા પર તમામની નજર હતી. સોહરાબુદ્ધીન શેખ અને તેની પત્નિ કૌસરબીના બનાવટી એન્કાઉન્ટર મામલામાં આ તમામ ૨૨ આરોપી તરીકે હતા. ૨૧ આરોપી ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પોલીસના હતા. એક ફાર્મ હાઉસના માલિક તરીકે હતા. તુલસીરામ પ્રજાપતિ કેસમાં સામેલ હોવાના આરોપોમાંથી પણ તેમને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. પુરાવાના અભાવે આરોપીઓને છોડી મુકવાનો કોર્ટે આદેશ કર્યો હતો. કોર્ટે સાક્ષીઓને ગુંલાટના સંદર્ભમાં કહ્યું હતું કે, જો કોઇ નિવેદન ન આપે તો તેમાં પોલીસની કોઇ ભુલ નથી. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલામાં સ્પેશિયલ સીબીઆઈ જજે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમામ સાક્ષીઓ અને પુરાવા હત્યા અને કાવતરાને પુરવાર કરે તે માટે પુરતા ન હતા. કોર્ટે કહ્યું હતું કે, મામલા સાથે જોડાયેલા પુરાવા અપુરતા છે. તુલસીરામ પ્રજાપતિને એક કાવતરા હેઠળ ઠાર કરવામાં આવ્યો હતો તેવા આરોપ પણ ખોટા છે. સીબીઆઈ કોર્ટે કહ્યું હતું કે, સરકારી મશીનરી અને સંબંધિત પક્ષોએ પુરતા પ્રયાસ કર્યા હતા. ૨૧૦ સાક્ષીઓને સપાટી ઉપર લાવવામાં આવ્યા હતા.

પરંતુ કોઇ પુરાવા મળી શક્યા ન હતા. કેટલાક સાક્ષીઓએ નિવેદન બદલી નાંખ્યું હતું. ગુજરાત એટીએસ અને રાજસ્થાન એસટીએફની ટીમે ૨૬મી નવેમ્બર ૨૦૦૫ના દિવસે અમદાવાદ નજીક એન્કાઉન્ટરમાં મધ્યપ્રદેશના અપરાધી સોહરાબુદ્દીન શેખને ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક વર્ષ પછી ૨૮મી ડિસેમ્બર ૨૦૦૬ના દિવસે તુલસીરામ પ્રજાપતિને પણ ઠાર કરાયો હતો. ગયા ડિસેમ્બર મહિનામાં કેસમાં ટ્રાયલની શરૂઆત થઇ હતી. ગયા વર્ષે ૨૧૦ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ૯૨ તાજના સાક્ષી બની ગયા હતા. વર્ષ ૨૦૧૨માં આ કેસ મુંબઇની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે કેસને મુંબઇમાં ખસેડી લેવાનો આદેશ કર્યો હતો. આ ગાળા દરમિયાન શરૂઆતમાં ૩૮ આરોપીની નોંધણી કરવામા ંઆવી હતી. જેમાં ભાજપના હાલના પ્રમુખ અમિત શાહનો સમાવેશ થાય છે. શાહને નિર્દોષ જાહેર કરવામાં આવી ચુક્યા છે. મુંબઈ સીબીઆઈ કોર્ટ ચુકાદો આપે તે પહેલા જ ગઇકાલે ગુરૂવારના દિવસે સરકાર સામે બાયો ચઢાવનાર આઈપીએસ અધિકારી રજનીશ રાયને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.  ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ચર્ચા જગાવનાર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં  આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરનાર પૂર્વ સીઆઈડી અધિકારી અને ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા હતા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રજનીશ રાયે પૂર્વ આઈપીએસ વણજારા સહિત સંખ્યાબદ્ધ પોલીસ અધિકારીઓની ધરપકડ અને સઘન પુછપરછ કરી હતી. આ સાથે તત્કાલિન મોદી સરકાર સામે પણ આ કેસમાં બાયો ચઢાવનાર રજનીશ રાયે થોડા સમય અગાઉ જ વીઆરએસ માંગ્યું હતું. જો કે, સરકારે રજનીશ રાયને વીઆરએસ આપવાના બદલે સીધા સસ્પેન્ડ કરી દેવાયા હતા.કેન્દ્રીય ગૃહ વિભાગે રાજનીશ રાયને ઘરે બેસાડ્યા હતા. ૨૨મી નવેમ્બરના દિવસે સીબીઆઈએ કેસમાં ૫૦૦ પૈકી ૨૧૦ સાક્ષીઓની તપાસ કરીને કેસને બંધ કરી દીધો હતો.

Previous articleઉત્તરાખંડઃ કેદારનાથ હાઈવે પર ખડકો ધસી પડતાં ૭ મજૂરોના મોત
Next articleબ્લેક ફ્રાઇડે : ભારે વેચવાલી વચ્ચે સેંસેક્સમાં ૬૯૦ પોઇન્ટનું ગાબડું