રાજ્યમાં ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોની અસર જોવા મળી રહી છે. ૫ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નીચે નોંધાયુ છે. જ્યારે અનેક શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતર્યું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાડ થીજવતી ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ રીતસરના ઠંડા પવનોની અસર વાતાવરણમાં વર્તાઈ રહી છે. છેલ્લા સાત દિવસથી ઉત્તર-પૂર્વ દિશા ધરાવતા ઠંડા પવનના કારણે ધ્રૂજતા નાગરિકોને આજે આ પવનનું જોર ઓછું થતાં થોડી રાહત મળી છે, જોકે સ્થાનિક હવામાન કચેરી દ્વારા શહેરમાં ઠંડીનું પ્રમાણ આગામી અઠવાડિયા સુધી વત્તાઓછા પ્રમાણમાં જળવાઇ રહેશે તેવી આગાહી કરાઇ છે. માઉન્ટ આબુમાં સતત અઠવાડિયાથી લઘુત્તમ તાપમાન માઇનસ ૧ માં રહેતા લોકો ઠુઠવાઇ ગયા છે. માઉન્ટ આબુમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન માઇનસ ૧.૫ હતું. જ્યારે શુક્રવારે માઇનસ ૧ ડિગ્રી નોંધાતા બરફ જામી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં ઠંડો પવન ધીમો પડતાં શુક્રવારે દિવસ અને રાતનો પારો ઉચકાયો હતો. દિવસે ૧ ડિગ્રી પારો ઊંચકાતા તાપમાન ૨૮.૦ ડિગ્રીને પાર રહ્યો હતો. સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મંદ મંદ વહેતાં પવનના કારણે ઠંડીનો જોર યથાવત રહ્યું હતું. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
નલિયામાં સૌથી વધુ ૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં લઘુત્તમ ૧૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં પણ પારો ૮.૬ ડિગ્રીએ પહોંચ્યો છે. આજે પણ વહેલી સવારથી ઠંડા પવનનો મારો યથાવત્ જોવા મળ્યો હતો. હજી આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા વ્યકત કરાઇ છે. માઉન્ટ આબુમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયું હતું.
શહેરમાં આગામી પાંચ દિવસ ઠંડીનું હાલનું પ્રમાણ જળવાઇ રહેશે. જ્યારે રાજ્યનાં મુખ્ય શહેરોની ઠંડીની વિગતો તપાસતાં ડીસા ૯.ર, વડોદરા ૯.૮, સુરત ૧૪.૦, રાજકોટ ૧૧.૭, ભૂજ ૧ર.૪માં ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાત સહિત ૭ રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, દિલ્હીમાં ઠંડીનો ૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજસ્થાનના સિકરમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો છે. હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ ઠંડુગાર બની ગયા છે. કારગિલમાં ઠંડીનો પારો માઇનસ ૧૫.૧ ડિગ્રી છે, જ્યાં આપણા જવાનો આટલી આકરી ઠંડીમાં પણ ચોકીપહેરો કરી રહ્યાં છે. કાશ્મીર અને શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. દિલ્હીમાં વિઝિબિલિટી ૬૦૦ મીટર પર છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં એલર્ટ આપી દેવાયું છે.