ગાંધીનગર જિલ્લામાં ખેતીની જમીન પર ધમધમતી હોટેલ્સ અને ગાર્ડન રેસ્ટોરન્ટ્સ પર તવાઇ ઉતારવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટર દ્વારા આવા કિસ્સા શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લાના બન્ને પ્રાંત અધિકારીને આદેશ આપી દેવામાં આવ્યા છે.આવા આદેશથી જિલ્લામાં જે લોકોએ આ રીતે હોટલો બનાવી છે તેઓમાં દોડધામ મચી ગઈ છે.
મોટાભાગે હાઇવે પર અને શહેર બહારના મુખ્ય માર્ગો પર ખાસ કરીને નવી ચાલુ થયેલી હોટેલ્સની તપાસ કરીને જે તે જમીન ખેતીની છે કે બિનખેતી તેની તપાસ કરવામાં આવશે અને નિયમ ભંગ માલુમ પડશે તો આવા એકમને તાળા મારી દઇને કાયદેસરની કાર્યવાહી કરાશે.
કલેક્ટર એસ કે લાંગાએ જણાવ્યું કે ખેતીની જમીન પર હોટેલ કે ગાર્ડન રેસ્ટોરન્ટ ચલાવી શકાય નહીં. આમ છતાં આ મહેસૂલી કાયદાનો ભંગ થતો, કરવામાં આવતો હોય છે. આવી ફરિયાદો પણ મળતી હોય છે. પરિણામે આવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેના માટે ગાંધીનગર અને કલોલ પ્રાંત અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે.
તેથી હવે નજીકના દિવસોમાં તંત્ર દ્વારા આ દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટર દ્વારા આવા કિસ્સા શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લાના બન્ને પ્રાંત અધિકારીને આદેશ આપી દેવામાં આવ્યા છે.તેના કારણે હાલ જિલ્લામાં આવી કેવી હોટલો છે તે અંગે જે તે તાલુકાઓના જવાબદાર અધિકારી તરફથી આ અંગે કાર્યવાહી હાથ ધરવામા આવશે.