ગંગાની સફાઈ મુદ્દે કેન્દ્ર સરકારનું ઉદાસીન વલણઃ CPCB રિપોટ

625

ગંગા નદી હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે અને તેને સદીઓથી તેને પવિત્ર માનવામાં આવે છે. કેન્દ્ર સરકારની ગંગા સફાઈ યોજનામાં ઉદાસીનતા સ્પષ્ટ રીતે જોવા મળે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટ મુજબ ચોમાસા બાદના ગાળામાં ગંગા નદીના પ્રવાહમાં ૩૯ સ્થળ પૈકી ફક્ત એક જ સ્થળ પર તે સ્વચ્છ જોવા મળી છે. આ રિપોર્ટ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘી રહી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એક અહેવાલ મુજબ ૨૦૧૭ સુધીમાં બે વર્ષના ગાળામાં ગંગા સફાઈ પાછળ કેન્દ્રે ૭,૦૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો જો કે તેમ છતા ગંગાની દશા ઠેરની ઠેર છે.વર્ષ ૨૦૧૭-૧૮ માટેના બાયોલોજિકલ વોટર ક્વોલિટી એસેસમેન્ટ રિપોર્ટમાં ચાલુ વર્ષે પ્રી મોન્સૂન ગાળામાં ગંગા નદીના વહેણમાં આવતા ૪૧ સ્થળો પૈકી ૩૭ સ્થળો પર સાધારણથી અત્યંત ગંભીર જળ પ્રદૂષણનું સ્તર જોવા મળ્યું છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ રિપોર્ટ જાહેર કર્યો છે.

રિપોર્ટ મુજબ પ્રી-મોન્સૂન ગાળામાં ૪૧ પૈકીના ચાર જ સ્થળે ગંગા નદીમાં પાણીની ગુણવત્તા સ્વચ્છ અથવા ઓછી પ્રદૂષિત જણાઈ છે. જ્યારે પોસ્ટ મોન્સૂન ગાળામાં ૩૯ પૈકીના ફક્ત એક સ્થળ હરિદ્વાર ખાતે પાણી સ્વચ્છ જોવા મળ્યું છે.

આ રિપોર્ટ મુજબ ૨૦૧૭-૧૮માં પ્રી-મોન્સૂનમાં ૩૪ વહેણના સ્થળો પર ગંગા નદી મધ્યમ પ્રદૂષિત જણાઈ હતી તેમજ ત્રણ સ્થળો પર ગંભીર પ્રદૂષણનું સ્તર જોવા મળ્યું હતું. દરમિયાન ઉત્તર પ્રદેશમાં રહેલી બે ઉપનદીઓ પાંડુ અને વરૂણા ગંગામાં મુખ્યત્વે પ્રદૂષણ વધારવા માટે જવાબદાર છે. રિપોર્ટ મુજબ ગંગા નદીના મુખ્ય વહેણમાં ક્યાંય ગંભીર પ્રદૂષણ જોવા નથી મળ્યું પરંતુ મધ્યમ પ્રદૂષણ નોંધાયું છે.

૨૦૧૪-૧૮ના ગાળામાં બાયોલોજીકલ વોટર ક્વોલિટી ઓફ ગંગાના તુલનાત્મક અભ્યાસમાં જણાયું કે ૨૦૧૭-૧૮માં ચોમાસા બાદના ગાળામાં રામગંગા અને ગારા નદીનું પાણી ભારે પ્રદૂષિતની શ્રેણીમાં રહ્યું હતું. વિતેલા ચાર વર્ષમાં ભાગ્યે જ કોઈ સ્થળે જળની ગુણવત્તામાં સુધારો નોંધાયો હતો. ઉલટાનું કેટલાક સ્થળોએ (ઉત્તરાખંડના જગજીતપુર, કાનપુર, અલ્હાબાદ અને વારાણસી)માં ૨૦૧૪-૧૫ની તુલનાએ ૨૦૧૭-૧૮માં જળની ગુણવત્તા વધુ કથળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

Previous articleએનડીએમાં બેઠક વહેંચણી અંગે આજે નિર્ણય થઈ શકે
Next articleઝારખંડના ૨૨.૭૬ લાખ ખેડૂતોને એકર દીઠ રૂ. ૫૦૦૦ આપશે સરકાર