ઝારખંડના ૨૨.૭૬ લાખ ખેડૂતોને એકર દીઠ રૂ. ૫૦૦૦ આપશે સરકાર

793

ઝારખંડની ભાજપની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન રઘુબર દાસે રાજ્યના ખેડૂતો માટે ૨૨૫૦ કરોડ રૂપિયાની યોજનાનું એલાન કર્યું છે. આ યોજનાનો ઉદેશ્ય ઝારખંડના ૨૨.૭૬ લાખ મધ્યમ અને સીમાંત ખેડૂતોની આવકને ૨૦૨૨ સુધીમાં બેગણી કરવાનો છે. ઝારખંડની સરકારે એલાન કર્યું છે કે આગામી નાણાંકીય વર્ષથી ૨૨.૭૬ લાખ મધ્યમ અને સીમાંત કેડૂતોને પ્રતિ એકર પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. ઝારખંડના મુખ્યપ્રધાન રઘુબર દાસે જણાવ્યુ છે કે નવી મુખ્યપ્રધાન કૃષિ યોજના હેઠળ ૨૨૫૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજનાની શરૂઆત ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં કરવામાં આવશે. રઘુબર દાસે કહ્યુ છે કે જે ખેડૂતોની પાસે એક એકરથી પણ ઓછી જમીન છે.

તેમને પણ પાંચ હજાર રૂપયા આપવામાં આવશે અને તેના માટે મહત્તમ મર્યાદા પાંચ એકરની છે. તેમણે જણાવ્યુ છે કે લાભાર્થીઓને ચેક અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા નાણાં આપવામાં આવશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આસામ બાદ ખેડૂતોને રાહત આપનારા રાજ્યોની યાદીમાં ઓડિશા અને ઝારખંડનો પણ પ્રવેશ થયો છે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાજ્યના ખેડૂતોના વિકાસ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું એલાન કર્યું છે. ઓડિશાની બીજેડીની સરકારના કેબિનેટે શુક્રવારે રાજ્યના ખેડૂતોના વિકાસ માટે જીવિકોપાર્જન અને આવક વૃદ્ધિ માટે કૃષક સહાયતા યોજના કાલિયાને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન નવીન પટનાયકની અધ્યક્ષતામાં યોજાયેલી ઓડિશાના કેબિનેટની બેઠક બાદ મીડિયાને સીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાલિયા ઐતિહાસિક છે અને તેનાથી કૃષિ સમૃદ્ધિ વધશે તથા ગરીબી ઘટશે.

ઓડિશા સરકારની આ યોજનામાં કૃષિ કર્જમાફી જેવી જોગવાઈઓ સામેલ નથી. જો કે પટનાયકે ભારપૂર્વક કહ્યુ હતુ કે આ યોજના હેઠળ ઓડિશાના તમામ નાના અને સીમાંત ખેડૂતોને આવરી લેવામાં આવશે. ઓડિશામાં નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા અંદાજે ત્રીસ લાખ જેટલી છે. પટનાયકે એમ પણ કહ્યુ હતુ કે ખરીફ અને રવિ સિઝનમાં વાવણી માટે નાણાંકીય મદદ તરીકે દરેક ખેડૂત પરિવારને પાંચ-પાંચ હજાર રૂપિયા એટલે કે વાર્ષિક દશ હજાર રૂપિયા આપવામાં આવશે.

Previous articleગંગાની સફાઈ મુદ્દે કેન્દ્ર સરકારનું ઉદાસીન વલણઃ CPCB રિપોટ
Next articleજમ્મુ-કાશ્મીર : મુસાના ડેપ્યુટી સહિત છ ત્રાસવાદી મોતને ઘાટ