કસ્બા અંજુમને ઈસ્લામ-ભાવનગર દ્વારા ભાવનગર મેડીકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના સહયોગથી ભાવનગર જિલ્લા જેલમાં આજે બંદીવાન ભાઈઓ-બહેનો માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૯૦ જેટલા કેદી ભાઈઓ-બહેનોની નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરી નિદાન અને સારવાર કરવામાં આવી હતી.
જિલ્લા જેલમાં સવારે ૯ થી બપોરના ર સુધી યોજાયેલ મેડીકલ કેમ્પમાં ભાવનગરના નામાંકિત તબીબો દ્વારા કેદી ભાઈઓ-બહેનોની તપાસ કરી નિદાન કરાયેલ. જેમાં ઓર્થોપેડિક, માનસિક, મેડીસીન, ચામડી, આંખ, કાન-નાક-ગળા તથા ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગના તજજ્ઞ ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં ૩૭૭ ભાઈઓ તથા ૧ર સ્ત્રીઓ અને ૧પ જેલ સ્ટાફ સહિતને તપાસ કરવામાં આવી હતી. જ્યારે જરૂરીયાત મુજબની દવાઓ બહારથી લાવી આપવામાં આવેલ તેમજ ૧૧૧ કેદીઓને ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મેડીકલ કોલેજના ડો.એસ.પી. સરવૈયા, ડો.ડી.બી. લોહરા, ડો.ડી.ડી. ઓથા, ડો.સ્નેહા વાઢેર, ડો.જીગ્નેશ પરમાર, ડો.દિવ્યાંગ મકવાણા, ડો.જીલન મહેતા, ડો.ધારા વાઘાણી, ડો.ભાવેશ સોનાગરા, ડો.સુપસ નાગર તેમજ પેરામેડીકલ સ્ટાફ અને કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ મહેબુબભાઈ શેખ, એમ.આઈ. સોલંકી, હનિફભાઈ ચૌહાણ સહિતે ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.