ગત મોડીસાંજે પીપાવાવ પોર્ટ નજીક પસાર થઈ રહેલી માલગાડીએ રેલ્વે ટ્રેક પર એક સિંહણને અડફેટે લેતા સિંહણ ફંગોળાઈ હતી અને પગના ભાગે ઈજા થયેલ. ત્યારબાદ સિંહણે માલગાડી ઉપર હુમલો કર્યો હતો. આ દ્રશ્ય નજરે જોનારા લોકો અવાચક બની ગયા હતા.
માલગાડીએ ત્રણ સિંહને અડફેટે લઈને મોતને ઘાટ ઉતાર્યાની શાહી પણ સુકાઈ નથી ત્યાં ગત મોડી સાંજના સમયે પીપાવાવ પોર્ટ નજીક માલગાડીએ સિંહણને અડફેટે લેવાનો બનાવ બન્યો હતો. જો કે રેલ્વે ટ્રેક પર સિંહણ હોય ટ્્રેકરો દ્વારા ટ્રેનને ધીમી પડાવી દીધી હતી છતાં સિંહણ અડફેટે આવી ગઈ હતી અને પગમાં ઈજાગ્રસ્ત થયેલ ત્યારે ઈજાગ્રસ્ત સિંહણને બે દિવસ પહેલા ૩ સિંહને મોત નિપજાવી પરિવારથી વિખુટા પાડનાર ટ્રેન હોય તેવું માની માલગાડી ઉપર હુમલો કરી બચકા ભર્યા હતા. આ દ્રશ્ય નિહાળી રેલ કર્મીઓ, ટ્રેકરો અવાચક બની ગયા હતા.
સમગ્ર રેલ્વે ટ્રેક પર સિંહના રક્ષણ માટે ફેન્સીંગ જાળી બનાવવામાં આવેલ છે પરંતુ તેમાં છીંડા રાખી દઈ કૌભાંડ કરાયું હોવાના પ્રકૃતિ અને પ્રાણી પ્રેમીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જ્યાં છીંડા રખાયા છે ત્યાંથી સિંહ ટ્રેક પર આવી જાય છે પરંતુ ટ્રેન આવતા તેઓ બહાર નિકળી શકતા નથી ત્યારે દરેક છીંડા પર ફાટક બનાવવા તેમજ ટ્રેકરો મુકવા જોઈએ તે કરાતું નથી ત્યારે ટ્રેકરોની ભરતી કરવા અને ફેન્સીંગનું અધુરૂ કામ પૂર્ણ કરવા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા માંગ કરાઈ છે.