કેરળના સબરીમાલા મંદિરમાં ફરી એકવાર પ્રતિબંધિત વયની મહિલાઓને દર્શન વગર પરત ફરવાની ફરજ પડી છે. ચેન્નાઈ સ્થિત સંગઠન તરફથી રહેલી મહિલાઓ આજે દર્શન કરવા માટે પહોંચી હતી પરંતુ ૧૧ મહિલાઓને અયપ્પાના શ્રદ્ધાળુઓના તીવ્ર વિરોધ બાદ દર્શન વગર જ પરત ફરવાની ફરજ પડી હતી. સઘન સુરક્ષા માટે પોલીસની ટીમની સાથે આ મહિલા ટુકડી બેઝકેમ્પથી પરત ફરી હતી. પોલીસે આની માહિતી પણ આપી દીધી છે.
આજે સવારે આ સંગઠન સાથે જોડાયેલી ૧૧ મહિલાઓ પમ્બા બેઝકેમ્પ સુધી પહોંચી ગયા બાદ અયપ્પાના શ્રદ્ધાળુઓમાં જોરદાર નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. ભક્તોએ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. અલબત્ત મહિલા ભક્તોએ અપીલ કરી હતી કે, તેઓ ટૂંક સમયમાં જ મંદિરમાં પરત ફરે પરંતુ વિરોધની વચ્ચે તેમને આગળ જવાની તક મળી ન હતી.
કેટલીક મહિલાઓએ પોલીસ ઉપર સુરક્ષા નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો. મહિલાઓના જથ્થામાં સામેલ એક મહિલાએ કહ્યં હતું કે, અમે લોકો વહેલી પરોઢે ૩.૩૦ વાગે મંદિર પહોંચી ગયા હતા. પોલીસ તરફથી સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ મોડેથી મંદિર તરફ જવા સુરક્ષા અપાઈ ન હતી. બીજી બાજુ તંગદિલીપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં લઇને પથાના મથિટ્ટા જિલ્લામાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. આ કલમને હવે ૨૭મી ડિસેમ્બર સુધી જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હિંસાની દહેશતને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. ચેન્નાઈ સ્થિત સંગઠન મનિથી તરફથી આશરે ૩૦ મહિલાઓની એક ટીમ ગુરુવારના દિવસે પણ પહોંચી હતી. મંદિરમાં દર્શન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. પોલીસ સામે પણ પડકાર છે.