કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ આજે અમદાવાદમાં ભાજપ પર ખાનગી કંપનીઓ પાસેથી ઉંચા ભાવે વીજળી ખરીદી તેઓને માલામાલ કરવાના મુદ્દે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપે તેના શાસન દરમ્યાન અદાણી પાવર, એસ્સાર પાવર, ચાઇના પાવર સહિતની ખાનગી કંપનીઓ પાસેથી ખૂબ ઉંચા ભાવે હજારો કરોડની કિંમતે વીજળી ખરીદી આ ખાનગી કંપનીઓને માલામાલ કરી દીધી છે અને સામે ગુજરાતના ખેડૂતો અને રાજયની પ્રજાના ખિસ્સા ખાલી કર્યા છે. ભાજપે તેના ૨૨ વર્ષના શાસનમાં સરકારી તિજોરીને બેફામ રીતે દૂરપયોગ કર્યો છે અને તેથી હવે ગુજરાતની જનતાએ ભાજપનો હિસાબ માંગવાનો સમય પાકી ગયો છે. ગુજરાતની પ્રજાએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપી કોંગ્રેસની સરકાર રચવાનું મન બનાવી લીધુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં વીજળીના ક્ષેત્રમાં ગંભીર ગોટાળા અને હજારો કરોડના ભ્રષ્ટાચાર આચરાયા છે. ભાજપ વીજળી સરપ્લસ થઇ હોવાના માત્ર બણગાં ફુુંકે છે. વાસ્તવમાં અદાણી પાવર, એસ્સાર પાવર સહિતની ખાનગી કંપનીઓ પાસેથી ઉંચા ભાવેથી વીજળી ખરીદ કરે છે, આ કંપનીઓને ફાયદો કરાવવા ભાજપ આમ કરી રહ્યું છે. ભાજપ સરકાર દ્વારા અદાણી પાવર પાસેથી રૂ.૧૦ હજાર, ૮૦૦ કરોડની વીજળી ખરીદાઇ હોવાના આક્ષેપો સૂરજેવાલાએ કર્યા હતા. પ્રજાના પૈસે સરકારી તિજોરીમાંથી શા માટે આટલા ઉંચા ભાવે આ ખાનગી કંપનીઓ પાસેથી તેમને ફાયદો કરાવવા ભાજપ સરકાર દ્વારા વીજળી ખરીદાય છે એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. કોંગી નેતા રણદીપ સૂરજેવાલાએ ઉમેર્યું હતું કે, સરકારી કંપની એનટીપીસી પાસેથી જે વીજળી ૨.૮૮ના ભાવે પ્રતિ યુનિટ ખરીદાય છે એ જ વીજળી ખાનગી કંપની પાસેથી પ્રતિ યુનિટ રૂ.૨૪.૪૭ના ભાવે ખરીદાય છે તો શા માટે ૪૦૦ ગણી વધારે કિંમત ચૂકવી ખાનગી કંપનીઓને લ્હાણી કરી તેમને ભાજપ સરકાર દ્વારા માલામાલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ભાજપ સરકારે રૂ.૨૬ હજાર કરોડની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી છે અને ગુજરાતની પ્રજાના મહેનત પરેસવાના પૈસા આ ખાનગી કંપનીઓને પધરાવી તેમને માલામાલ કરી છે જે આઘાતજનક બાબત છે.
સૂરજેવાલાએ ગુજરાતમાં વીજખરીદીના ભ્રષ્ટાચાર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સીધો સવાલ કર્યો હતો કે, આ મામલે મોદી કેમ કંઇ બોલતા નથી શું થયું તેમના ખાતો નથી અને ખાવા દેતો નથી સૂત્રનું ? તેમણે ગુજરાતની જનતાને ભાજપને જવાબ આપવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, પ્રજાએ ભાજપ પાસેથી હિસાબ માંગવાનો સમય પાકી ગયો છે. મને પૂરો વિશ્વાસ છે કે, ગુજરાતની જનતાના આશીર્વાદથી આ વખતે કોંગ્રેસની જનતાની સરકાર બનશે.