મુંબઈના ભૂતપૂર્વ શેરીફ (૧૯૮૯-૯૦), કાયદાનિષ્ણાત તથા સમાજસેવક નાના ચુડાસમાનું આજે સવારે વૃદ્ધાવસ્થાને કારણે બીમારી બાદ આજે અહીં નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. ચુડાસમા જાયન્સ્ટ ઈન્ટરનેશનલ તથા આઈ લવ મુંબઈ જેવી અનેક સામાજિક સંસ્થાઓના સ્થાપક હતા. ચુડાસમા ભારતીય જનતા પાર્ટીનાં મહિલા પ્રવક્તા શાઈના એન.સી.નાં પિતા હતા.
નાના ચુડાસમા દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તાર ખાતે બેનર મૂકવા માટે જાણીતા હતા જેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુખ્ય સમાચારો આધારિત સંક્ષિપ્ત અને જોરદાર સંદેશા રહેતા. બે મુદત માટે મુુંબઈના શેરીફ પદે રહેલા નાના ચુડાસમાને ૨૦૦૫માં પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. નાના ચુડાસમા રાજકોટના ગોંડલના પરિવારના હતા. એમના પિતા માનસિંહ ચુડાસમા પોલીસ કમિશનર હતા.
ચુડાસમા સ્થાપિત જાયન્ટ્સ ઈન્ટરનેશનલ સંસ્થાની ભારતભરમાં તેમજ અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોમાં શાખાઓ છે. તેઓ જ્યારે મુંબઈના શેરીફ પદે હતા ત્યારે આઈ લવ મુંબઈ નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થાનો ઉદ્દેશ્ય મુંબઈમાં હરિયાળી વધે, મુંબઈ સુંદર અને સ્વચ્છ બને એ માટેનો હતો.