મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ, અમરેલી ખાતે યોજાયેલા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ભગીરથ મહા સંમેલનમાં જણાવ્યું હતુ કે, ‘‘સબ સમાજ કો સાથ લીએ આગે હી બઢતે જાના હૈ’’ ના ભાવ સાથે રાજય સરકારે ગુજરાતને સર્વાંગી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું છે.
મુખ્યમંત્રીએ ‘અયોધ્યામાં રામ, યુવાનોને કામ, કિસાનોને સહી દામ અને ભ્રષ્ટાચારીઓને લગામ’ ના વિચાર સાથે સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવી તેમણે ઉમેર્યુ હતુ કે, રાજય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ ‘જયાં જન ત્યાં સુવિધા’ની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી છે. જેના પરિણામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં રોપેલું વિકાસનું બીજ આજે ‘‘ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક’’ બન્યું છે.
મહિલા અને બાળ વિકાસ, ઔદ્યોગિક વિકાસ, ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શક વહીવટ, ભ્રષ્ટાચાર નાબૂદી અને ગામડાઓમાં સુવિધા ઉપલબ્ધ થાય તે નેમને વરેલી આ સરકાર મહિલાઓના રક્ષણ માટે પણ પ્રતિબધ્ધ છે, તેમ જણાવી તેમણે દુષ્કર્મીઓના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને સખત સજા થાય તેવો નિર્ણય આ સરકારે કર્યો હોવાનું જણાવ્યું હતુ.
ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી જયાં વ્યક્તિ-માનવી ત્યાં સુવિધાના ભાવ સાથે કાર્યરત સરકારે સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાર્થક કરવા જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતથી પર ઉઠીને પારદર્શકતા સાથેનું કાર્ય હાથ ધર્યુ છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલતાના વિચાર સાથે આ સરકારે ગુજરાતને નવી દિશા આપી છે.
તેમણે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો ગુજરાતના વિકાસમાં સહભાગી બની પોતાના સ્વબળે “ધ્વંશ” ની નહિ પરંતુ “નિર્માણ”ની વિચારધારા સાથે ગુજરાતના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તેમ જણાવ્યું હતુ. અમરેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગોરખનાથ આશ્રમ જુનાગઢના પૂ. શેરનાથબાપુ, ખોડિયાર મંદિર નેસડીના પૂ.લવજીબાપુ, શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝાએ આશિર્વચન પાઠવ્યા હતા. વેજલપુર વિસ્તારના ધારાસભ્ય કિશોરભાઇ ચૌહાણ અને પૂર્વમંત્રી બાબુભાઇ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ. ‘ગેલોપીંગ ગુજરાત’ના સચિન રૂપારેલે પોતાનું મંતવ્ય રજૂ કર્યુ હતુ. આ પ્રસંગે ‘ગેલોપીંગ ગુજરાત’ વિડીયો નિદર્શન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભગીરથ મહાસંમેલનના મુખ્ય આયોજક ભરતભાઇ ટાંકે પ્રાસંગિક પ્રવચન અને શાબ્દિક સ્વાગત ઉર્વીબેન ભરતભાઇ ટાંકે કર્યુ હતુ. આભારવિધી ધીરૂભાઇ ગોહેલે કરી હતી.
સમસ્ત કડિયા સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મેમેન્ટો, પાઘડી, પુસ્તક, ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોએ ‘રાઇઝીંગ ગુજરાત’ પુસ્તકનું વિમોચન કર્યુ હતુ. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ ’ગેલોપીંગ ગુજરાત’ સહિતના પ્રદર્શની નિહાળી હતી.