દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે  સાંત્વના પાઠવતાં વનમંત્રી અને આરોગ્ય મંત્રી

722

સુરતથી ડાંગના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની ખાનગી બસના સર્જાયેલા અકસ્માતમાં ડાંગથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની રાજ્યના વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લઇ રહેલા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ વેળાએ વન આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સુરતના અમરોલી વિસ્તારના ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી લક્ઝરી બસ ગત રોજ ડાંગના પ્રવાસે ગઈ હતી, જ્યાં સુબિરથી શબરીધામ દર્શન કરીને પરત આવતી વેળાએ મહાલ બરડીપાડા રોડ પર ડ્રાઈવરે બસ પરનો કાબ્રૂ ગુમાવતાં બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુઃખદ ઘટનામાં ૧૦ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજયા છે. શનિવારે સુરતના ૨૮ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે. જે પૈકી ૬ વિદ્યાર્થીઓને સારવાર  આપી રજા આપવામાં આવી છે.  આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડાંગ ખાતે સર્જાયેલા ગોઝારા અકસ્માતની નોંધ લઇને ઊંડી સંવેદના વ્યક્ત કરતા મૃતકોને ૨.૫૦ લાખ અને ઈજાગ્રસ્તોને ૧-૧ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આહવા-ડાંગ અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.  અકસ્માતની ગંભીરતાને જોતાં ડાંગ, વલસાડ, તાપી અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રેસ્ક્યુ ઓપરેશન અને ઈજાગ્રસ્તોને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મંત્રીઓ સાથે સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય વિવેક પટેલ, જિલ્લા કલેકટર  ડો.ધવલ પટેલ, મ્યુ.કમિશનર એમ.થેન્નારસન, શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, નવી સિવિલના કડીવાલા, ડો.કેતન નાયક જોડાયા હતા.

Previous articleઅમરેલી  ખાતે યોજાયું ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું ભગીરથ મહા સંમેલન
Next articleનારદીપુર સ્વપ્નદર્શી પર્વના અંતિમ દિવસે  નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શિક્ષકોનું સંમલેન યોજાયું